રતનપુરની પરણિતાને દુષ્પ્રેરણા આપનાર સાસરીયા વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ, તા. ૧૧
ખેડા જીલ્લાના કઠલાલ તાલુકાના રતનપુર ગામની પરણિતા પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપનાર સાસરીયા વિરુદ્ધ કઠલાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર મહેમદાવાદ તાલુકાના અમરાપુર ગામે રામમથુરના વિસ્તારમાં રહેતા ચંદુભાઈ રામાભાઈ ચૌહાણની દિકરી હીનાબેનના લગ્ન આજથી આઠ વર્ષ પુર્વે રતનપુર ગામના અજયભાઈ ભરતભાઈ ડાભી સાથે થયા હતા. લગ્નજીવન શરુઆતમાં સુખરુપ વિત્યું હતું. જેમાં હીનાબેને એક પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ ત્યારબાદ પતિ, સાસુ, સસરા અને જેઠ ઘરના કામકાજ બાબતે અવાર નવાર ઝઘડાઓ કરી મારઝુડ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હતા. જેથી હીનાબેન પોતાના પિયરમાં જઈ હકીકત જણાવતા હતા. પરંતુ દિકરીનો ઘરસંસાર બગડે નહી તે માટે હીનાબેનના માતા દક્ષાબેન અને પિતા ચંદુભાઈ તેણીને સમજાવીને સાસરીમાં પરત મોકલતા હતા. તેમજ બે દિવસ પુર્વે પણ પોતાના ભાઈ પરેશભાઈને ફોન કરી પોતાના પર સાસરીયાઓ શારીરિક માનસિક ત્રાસ ગુજારતા હોવાનું જણાવી અને ત્રાસથી કંટાળી તેણી મરી જશે તેમ જણાવતા તેણીને સમજાવી હતી. ગઈકાલે અજયભાઈએ ચંદુભાઈને પોતાના ઘરે બોલાવી કહ્યું હતું કે તમારી દિકરી હેરાન કરે છે તેને તમે લઈ જાવો. ત્યારબાદ ગઈકાલે સાંજના પોણા સાત વાગ્યાના સુમારે હીનાબેન પતિ અને સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આત્મત્યા કરી હતી. જેથી આ બનાવ અંગે દક્ષાબેન ચંદુભાઈ ચૌહાણે કઠલાલ પોલીસ મથકે હીનાબેન પર શારીરિક માનસિક ત્રાસ ગુજારી આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપનાર અજયભાઈ ભરતભાઈ ડાભી, ભરતભાઈ ગોતાભાઈ ડાભી, વીમળાબેન ભરતભાઈ ડાભી અને વિજયભાઈ ભરતભાઈ ડાભી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૩૦૬, ૪૯૮(અ), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.