
આણંદ- મંગળવારઃ- શું આપને તાવ, ખાંસી, નબળાઈ જેવા કોરોનાના લક્ષણો જણાય છે? તો હવે આપે જરાય મુંઝાવાની જરૂર નથી કારણ કે રાજ્ય સરકારે દરેક નાગરીકના આરોગ્યની ચિંતા કરીને વિનામૂલ્યે કોરોનાના એન્ટીજન ટેસ્ટની વ્યવસ્થા ઉભી કરી છે જેમાં આપે માત્ર ૧૦૭૭ નંબર ડાયલ કરવાનો રહેશે જે બાદ આપના ઘરે આવીને આપનો કોરોના અંગેનો એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના ટેસ્ટીંગ માટે રાજ્યના સૌ નાગરિકો પ્રજાજનોને સ્વયંભૂ આગળ આવી ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
તદ્દઅનુસાર આણંદ જિલ્લાના નાગરીકો ઘર આંગણે વિનામૂલ્યે કોરોના એન્ટીજન ટેસ્ટ કરાવવા માંગતા હોય તેવા નાગરીકોએ ૧૦૭૭ નંબર ઉપર ડાયલ કરવાનો રહેશે જેથી સરળતાથી આપનો ટેસ્ટ થઈ શકશે કારણે કે કોરોના વાઈરસ થી આપણે ગભરાવાનું નથી પરંતું તેની સામે જીત મેળવવા માટે પોતાના આરોગ્ય અંગે કાળજી રાખીને કોવિડ-૧૯ની ગાઈડ લાઈનને પણ અનુસરવાનું છે અને કોરોનાનો ટેસ્ટ પણ કરાવવો જરૂરી છે જેથી નાગરીકો ૧૦૭૭ પર કોલ કરીને પોતાનો અને પોતાના પરિવારના સભ્યોનો એન્ટીજન ટેસ્ટ વિનામૂલ્યે કરાવી લે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીએ એક યાદી દ્વારા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આણંદ જિલ્લામાં ૫૩ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૮ શહેરી આરોગ્ય કેન્દ્ર, ૧૪ સામાન્ય આરોગ્ય કેન્દ્રો, આણંદ જિલ્લા હોસ્પિટલ, પેટલાદ એસ.એસ. હોસ્પિટલ, તમામ ધન્વંતરી રથ અને તમામ ખાનગી હોસ્પિટલો ખાતે વિનામૂલ્યે કોવિડ એન્ટીજન ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે.