આણંદમાં યુવક ઉપર જીવલેણ હુમલો કરી ગંભીરપણે ઘવાયેલા યુવકને ડાકોર નજીક ખેતરમાં ફેંકી દીધો

આણંદ,તા.૧૭
આણંદમાં જમીન દલાલ યુવક ઉપર હુમલો કરી બેફામ મારમારી જીવલેણ ઇજાઓ કરી કારમાં અપહરણ કરી લઇ જઇ ડાકોર નજીક ખેતરમાં ફેંકી દઇ હત્યાનો પ્રયાસ કર્યાનો બનાવ આણંદટાઉન પોલીસ મથકે નોંધાયો છે. ગંભીર પણ ઘવાયેલા યુવકને કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામા આવ્યો છે. આ ઘટનાને લઇને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મળતી વિગતો અનુસાર કણજરી ગામે અમૂલદાણ ફેકટરી સામે આવેલી જે.ડી.એવન્યુ સોસાયટીમાં રહેતો વિકાસ ધનજીભાઇ ફટાણીયા નામનો ૨૨ વર્ષીય યુવક જમીન દલાલીનો વ્યવસાય કરે છે. અને દરરોજ રાત્રે તે આણંદ શહેરમાં આવેલી નવી પાણીની ટાંકી પાસે ભગતસિંહ સ્ટેચ્યુ પાસે પોતાના મિત્રો સાથે ક્રિકેટ રમવા આવે છે. અને ક્રિકેટ રમી તે મિત્રો સાથે કેટલોક સમય ત્યાં બેસતો હોય છે. થોડા દિવસો પુર્વે તેને મોજ મારવાડીના ભાઇ અલ્પેશ મારવાડી સાથે ઝગડો થતાં અલ્પેશ મારવાડીએ વિકાસ ફટાણીયા વિરુદ્દ પોલીસ ફરીયાદ કરેલી છે. ગત રાત્રિના સાડા નવ વાગ્યાના સુમારે વિકાસ ફટાણીયા પોતાના નિત્યક્રમ મુજબ આણંદ શહેરમાં નવી પાણીની ટાંકી નજીક ભગતસિંહ સ્ટેચ્યુ પાસે પોતાના મિત્રો સાથે બેઠો હતો. ત્યારે મનોજ મારવાડી કાર લઇને આવ્યો હતો. અને કારમાંથી ફાયબરનો દંડો લઇને નીચે ઉતર્યો હતો. અને આજ વિકાસ ફટાણીયા છે. તેમ કહેતા મનોજની કારમાંથી બીજા બે થી ત્રણ અજાણ્યા યુવકો હાથમાં લોખંડની પાઇપો દંડા લઇને ઉતર્યા હતા. અને તેઓએ અચાનક વિકાસ ફટાણીયા પર હુમલો કરી લોખંડની પાઇપો અને દંડા વડે બે ફામ મારમારી માથામાં અને શરીરે ગંભીર જીવલેણ ઇજાઓ કરી હતી. ત્યારે મનોજે વિકાસને કારમાં નાંખો આજે તેને પુરો કરી નાંખવાનો છે. તેમ કહેતાં જ તેની સાથેના અજાણ્યા યુવકોએ તેને કારમાં નાંખ્યો હતો.અને ચાલુ કારમા ંબેફામ મારમારતાં તે બેભાન થઇ ગયો હતો. ત્યારબાદ તેને ડાકોરથી બે ત્રણ કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દઇને મનોજ અને તેના સાગરીતો ફરાર થઇ ગયા હતા. થોડીવાર બાદ વિકાસ ફટાણીયા ભાનમાં આવતા તે ખેતરમાંથી બહાર આવ્યો હતો. અને આસપાસ જાેતાં નજીકમાં એક ગલ્લો દેખાયો હતો.જેથી તેણે ગલ્લા પરજઇને હકીકત જણાવી હતી. અને ત્યાંથી પોતાના મિત્ર મિહીર ભાટીયાને ફોન કરતાં મીર ભાટીયા અને તેના મિત્રો ડાકોર પાસે પહોંચી ગયા હતા. અને ગંભીર પણે ઘવાયેલા વિકાસ ફટાણીયાને ડાકોરની સ્થાનીક હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર કરી વધુ સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડયો હતો. ઘટનાની જાણ થતા પીઆઇ વાય.આર.ચૌહાણ સહિતનો સ્ટાફ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં દોડી ગયો હતો. અને આજે વહેલી સવારે ગંભીર પણે ઘયાવેલા વિકાસ ધનજી ફટાણીયાની ફરીયાદના આધારે મનોજ મારવાડી અને અન્ય બે થી ત્રણ અજાણ્યા યુવકો વિરુદ્ધ ઇપીકો કલમ ૩૦૭ મુજબ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.