આણંદ

આણંદમાં સિખોડ તલાવડી પાસે ગાદલાની દુકાનમાં આગ લાગતા ભારે નુકસાન

આણંદ, તા. ૨૬
આણંદ શહેરમાં સિખોડ તલાવડી પાસે આવેલા ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં આવેલ ગાદલા, ઓશીકાની દુકાનમાં ગત મોડી સાંજના સુમારે શોર્ટ સર્કીટ અથવા અન્ય કારણોસર આગ ફાટી નીકળતા ફાયર બ્રીગેડના લાશ્કરોએ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી બે કલાકના અંતે આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં દુકાનનો સામાન બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે. મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં રહેતા જાવેદભાઈ મહેબુબભાઈ અજમેરીની સિખોડ તલાવડી પાસે ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશનની બાજુમાં ગાદલા, ઓશીકાની દુકાન આવેલી છે. જેમાં તેઓ રૂ પીંજીને ગાદલા, ઓશીકાઓ બનાવે છે. ગઈકાલે મોડી સાંજના છ વાગ્યાના સુમારે દુકાનમાં શોર્ટ સર્કીટ અથવા અન્ય કોઈ કારણોસર આગ ફાટી નીકળી ગઈ હતી. દુકાનમાંથી ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જાેઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ બનાવ અંગે ફાયર બ્રીગેડને જાણ કરતા ફાયર બ્રીગેડના સુપ્રીન્ટેન્ડેન્ટ ધર્મેશભાઈ ગોરના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રીગેડના લાશ્કરો એચ. સી. ગઢવી, ધીરુભાઈ ઠાકોર, નીલેશભાઈ ઠાકોર, વીરલ પરમાર સહિતનો સ્ટાફ ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગયો હતો અને દુકાનમાં પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી.
આગ લાગવાની ઘટનાને લઈને સ્થાનિક યુવાનોએ પણ ફાયર બ્રીગેડના લાશ્કરોની સાથે બચાવ કામગીરી કરી દુકાનમાંથી સામાન બહાર કાઢવામાં મદદ કરી હતી. આગ લાગવાની ઘટનાને લઈને લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. જાે આગ વધુ પ્રસરે તો દુકાનની ઉપર આવેલા મકાનમાં તેમજ આસપાસની દુકાનોમાં પણ આગ લાગે તો ભયંકર દુર્ઘટના સર્જાય તેવી ભીતિ રહેલી હતી. જાેકે ફાયર બ્રીગેડના લાશ્કરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ ઓલવી હતી. આગના કારણે દુકાનમાં ગાદલા, ઓશીકા અને રૂ પીંજવાનું મશીન તેમજ રોમટીરીયલ આગમાં બળીને ખાખ થઈ જતા ભારે નુકસાન થયું હતું.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button