નવી દિલ્હી

યુપીથી મધ્ય પ્રદેશ સુધી નોનસ્ટોપ ટ્રેન દોડી,૩ વર્ષની બાળકીને બચાવવા માટે માનવતા દાખવી

ઝાંસી, તા. ૨૭
ભારતીય રેલવેએ ત્રણ વર્ષની એક બાળકીને બચાવવા અભૂતપૂર્વ પગલું ભરીને માનવતા દાખવી હતી. ઉત્તર પ્રદેશથી અપહરણ કરાયેલી બાળકીને બચાવવા ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી નોન સ્ટોપ ટ્રેન દોડાવી હતી.
આ ઘટના ઉત્તર પ્રદેશના લલિતપુર વિસ્તારની છે. લલિતપુર રેલવે સ્ટેશન પરથી અપહરણકર્તાઓએ ત્રણ વર્ષની એક બાળકીને ઉપાડી હતી અને ભોપાલ તરફ જતી રાપ્તીસાગર એક્સપ્રેસ ટ્રેનમાં ચડી ગયા હતા. બાળકીનાં માતાપિતાએ રેલવે પોલીસને ફરિયાદ કરતાં રેલવે પોલીસે સ્ટેશન પર લગાડેલા સીસીટીવીના ફૂટેજ જોયા હતા.
આ ફૂટેજમાં જોવા મળ્યું હતું કે એક યુવાન બાળકીને લઇને રાપ્તીસાગર એક્સપ્રેસ ટ્રેનમાં ચડી રહ્યો હતો. એ યુવાન વિશે પોલીસ તપાસ કરે એ પહેલાં ટ્રેન ઉપડી ચૂકી હતી. આ ઘટનાનો ખ્યાલ આવતાં ઝાંસી સ્ટેશન પરના પોલીસ ઇન્સ્પેક્ટરે ભોપાલ સ્ટેશને આ ઘટનાની જાણ કરી હતી અને રાપ્તીસાગર એક્સપ્રેસ ટ્રેનને વચ્ચે કોઇ સ્થળે રોક્યા વગર ભોપાલ પહોંચાડવાની વિનંતી કરી હતી.
ભોપાલને આ સંદેશો મળતાં તેમણે લલિતપુરથી ભોપાલ સુધી આ ટ્રેનને વચ્ચે ક્યાંય પણ અટકવા દીધા વિના ભોપાલ સુધી દોડાવી હતી.
ભોપાલ સ્ટેશને પોલીસ અપહરણ કરનાર યુવકની વાટ જોઇ રહી હતી. જેવી આ ટ્રેન ભોપાલ પહોંચી કે તરત સ્ટેશન પરની રેલવે પોલીસે આ યુવાનને દબોચી લીધો હતો. એની ધરપકડ કરવામાં આવી હતી અને અપહૃત બાળકી એના પરિવારને પાછી સોંપવામાં આવી હતી. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પ્રકારની આ કદાચ પહેલી ઘટના હતી જ્યારે એક બાળકીને ઊગારી લેવા માટે ઉત્તર પ્રદેશથી મધ્ય પ્રદેશ સુધી નોનસ્ટોપ ટ્રેન દોડાવાઇ હોય.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button