આણંદ

પરીક્ષાઓ સમયે જ સોજીત્રાની શાળામાં ટેલીફોન-ઈન્ટરનેટના ધાંધીયા

આણંદ, તા. ૪
આવતીકાલથી એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે જ બીએસએનએલની ટેલીફોન સેવાના ધાંધીયાને લઈને સોજીત્રાની કે. સી. પટેલ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ અને જી. એસ. પટેલ ફોર ગર્લ્સ શાળામાં ઈન્ટરનેટ સેવાઓ ખોરવાતા પરીક્ષા અને ઓનલાઈન હાજરીની કામગીરીમાં ભારે હાલાકી પડી રહી છે. ત્યારે આ અંગે બીએસએનએલના અધિકારીઓ દ્વારા કોઈ પગલા ભરવામાં આવી રહ્યા નથી. સોજીત્રાની બીએસએનએલ કચેરીમાં કોઈ કર્મચારીઓ હાજર હોતા નથી અને જેને લઈને ટેલીફોન બંધ હોવાની ફરિયાદોનો કોઈ નિવેડો આવતો નથી. સોજીત્રાની કે. સી. પટેલ ઈંગ્લીશ મીડીયમ શાળા અને જી. એસ. પટેલ ફોર ગર્લ્સ શાળામાં છેલ્લા એક સપ્તાહથી ટેલીફોન લાઈન બંધ થઈ ગઈ છે. જેના કારણે ઈન્ટરનેટ સેવા ખોરવાતા શાળાના કર્મચારીઓ ઓનલાઈન હાજરી પુરવા તેમજ અન્ય સરક્યુલર અને પરીક્ષાલક્ષી કામગીરી માટે હાલાકી અનુભવી રહ્યા છે. શાળામાં લેવાતી પરીક્ષાઓ ઓનલાઈન ઈન્ટરનેટના માધ્યમથી ટેબ્લેટની નજર હેઠળ લેવામાં આવે છે અને આ ઈન્ટરનેટ સેવાઓ થપ્પ થઈ જવાના કારણે ટેબ્લેટ ચાલી શકતા નથી. આવતીકાલથી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેને લઈને શાળા સંચાલકો દ્વારા ટેલીફોન લાઈનના સમારકામ માટે બીએસએનએલના અધિકારીઓ સમક્ષ અનેકવાર રજુઆતો કરવામાં આવી છે. તેમ છતાં બીએસએનએલ તંત્ર દ્વારા આ લાઈનના સમારકામ માટે કોઈ પગલા ભરવામાં આવતા નથી. જેને લઈને છેલ્લા સપ્તાહથી શાળામાં ટેલીફોન અને ઈન્ટરનેટ સેવાઓ થપ્પ થઈ જતા ભારે હાલાકી પડી રહી છે. આ અંગે બીએસએનએલના અશ્વીન વાઘેલા સમક્ષ પણ રજુઆતો કરવા છતાં તેઓ દ્વારા પણ ટેલીફોન લાઈનના સમારકામ માટે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button