આણંદ

ખંભોળજમાં હરીજનોના બે જુથ વચ્ચે ભારે પથ્થરમારો, ૨૩ આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો

આણંદ તાલુકાના ખંભોળજ ગામે બે દિવસ પુર્વે રાત્રીના સુમારે હવાઈ ફોડવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં ગઈકાલે પુનઃ બંને જુથો સામસામે આવી ગયા હતા અને બંને જુથો વચ્ચે ભારે પથ્થરમારો થયો હતો. આ બનાવ અંગે ખંભોળજ પોલીસે બંને જુથોના ૨૩ આરોપીઓ વિરુદ્ધ સામસામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર ખંભોળજ ગામે હરીજનવાસમાં રહેતા અને હાલમાં અમદાવાદના ઓઢવમાં રહેતા રાહુલભાઈ કાંતિભાઈ હરીજન નવા વર્ષની ઉજવણી માટે ખંભોળજ ગામે આવ્યા હતા. ત્યારે બેસતા વર્ષની રાત્રીના ૧૧ વાગે તેઓ પોતાના ઘર પાસે બેઠા હતા ત્યારે મૃગેશભાઈ જગદીશભાઈ હરીજન, રીતુભાઈ અને આકાશ હરીજન હવાઈઓ ફોડતા હોય જે રાહુલભાઈના ઘર પાસે પડતી હોય રાહુલભાઈએ આ અંગે ઠપકો આપતા ઝઘડો થયો હતો. પરંતુ તહેવાર હોઈ રાહુલભાઈએ ઝઘડામાં સમાધાન કરી લીધું હતું. ત્યારબાદ ગઈકાલે ઝઘડાની અદાવત રાખી કાશીરામ અભેસિંગ સહિત ૧૦ જણાના ટોળાએ હાથમાં ઘાતક હથીયારો લઈ આવી રાહુલના ભાઈ દિનેશને માથામાં બેટ મારી લાકડીઓ મારી ઈજાઓ કરી હતી. તેમજ બંને જુથો વચ્ચે ભારે પથ્થરમારો થતા રાહુલભાઈ વચ્ચે છોડાવવા પડતા તેઓનું ગળું પકડી લઈ થપ્પડો મારી હતી. તેમજ દરમિયાન રવિભાઈ શાંતિલાલને પથ્થર વાગતા ઈજાઓ થઈ હતી. તેમજ અનિલભાઈ અને મનોજભાઈને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેમાં ગંભીરપણે ઘવાયેલા દિનેશભાઈને ત્વરીત સારવાર કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવ અંગે રાહુલભાઈ કાંતિભાઈ હરીજનની ફરિયાદના આધારે ખંભોળજ પોલીસે કાશીરામ અભેસિંગ હરીજન, જગદીશભાઈ અભેસિંગ હરીજન, મૃગેશભાઈ જગદીશભાઈ હરીજન, રીતુભાઈ જગદીશભાઈ હરીજન, રવિભાઈ ઝવેરભાઈ હરીજન, આકાશભાઈ કાશીરામ હરીજન, કીરણભાઈ કાશીરામ હરીજન, પારુલબેન રવિભાઈ હરીજન, ઉષાબેન ઉર્ફે મંજુલાબેન જગદીશભાઈ હરીજન અને ઉર્વશીબેન જગદીશભાઈ હરીજન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે સામા પક્ષે જગદીશભાઈ અભેસિંગ સોલંકીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર બેસતા વર્ષની રાત્રે થયેલા ઝઘડાની અદાવત રાખી કેતન ઉર્ફે રાહુલ હરીજન સહિત ૧૩ જણાએ ઝઘડો કરી હાથમાં દંડાઓ લઈ આવી જગદીશભાઈ સોલંકીને માથામાં પથ્થર મારી ઈજાઓ કરી તેમજ મંજુલાબેનને મોંઢા પર બેટ મારતા દાંત તુટી ગયો હતો. તેમજ પથ્થરમારો કરી ઉર્વશીબેન, મૃગેશભાઈને દંડાઓ મારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. જેથી ગંભીરપણે ઘવાયેલા જગદીશભાઈ સોલંકીને સારવાર અર્થે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જે બનાવ અંગે ખંભોળજ પોલીસે જગદીશભાઈ અભેસિંગ સોલંકીની ફરિયાદના આધારે ધવલભાઈ કાંતિભાઈ હરીજન, મેહુલભાઈ શાંતિભાઈ હરીજન, કેતનભાઈ ઉર્ફે રાહુલ કાંતિભાઈ હરીજન, જીગો શાંતિલાલ સોલંકી, અનિલ મનોજભાઈ હરીજન, કાંતિભાઈ શંકરભાઈ હરીજન, નરસિંહભાઈ શંકરભાઈ હરીજન, મીરાબેન કનુભાઈ હરીજન, જ્યોત્સનાબેન મનીષભાઈ હરીજન, વર્ષાબેન શાંતિલાલ હરીજન, વિષ્ણુભાઈ લાલજીભાઈ હરીજન, હાર્દિકભાઈ સંજયભાઈ હરીજન, સંજયલાલ જમાઈ સહિત ૧૩ જણા વિરુદ્ધ રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button