
૧ એપ્રિલથી ઈન્કમટેકસ, જીએસટી, પાન સહિતના નિયમોમાં આવશે ફેરફાર
નવી દીલ્હી,તા.૭
એક એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. નવા નાણાકીય વર્ષમાં અનેક એવા નિયમોમાં ફેરફાર થઈ રહ્યો છે જે તમારા દૈનિક જીવન સાથે જોડાયેલો છે. આ ફેરફાર જીએસટી રિટર્નથી લઈને પાનકાર્ડના નિયમોમાં થવાનો છે ત્યારે એક એપ્રિલથી શું શું બદલાવાનું છે તે જાણી લેવું જોઈએ.
૧ એપ્રિલથી જો તમે પાનકાર્ડને આધાર સાથે લીન્ક નહીં કરાવ્યું હોય તો તે અમાન્ય થઈ જશે. પાન અને આધાર નંબરને લીન્ક કરવાની અંતિમ તારીખ ૩૧ માર્ચ–૨૦૨૦ છે. પાછલા વર્ષે પાન–આધાર જોડાણની સમયમર્યાદા અનેક વખત વધી ચૂકી છે. અંદાજે ૧૭.૫૮ કરોડ પાન હજુ પણ આધાર સાથેલીન્ક થયા નથી યારે ૩૦.૭૫ કરોડથી વધુ લોકોએ પોતાનું પાન આધાર સાથે લીન્ક કરાવી લીધું છે.
બજેટ–૨૦૨૦–૨૧માં સરકારે વૈકલ્પીક દરો અને સ્લેબ સાથે એક નવી આવકવેરા વ્યવસ્થા શરૂ કરી જે ૧ એપ્રિલથી લાગુ થનારા નવા નાણાકીય વર્ષથી અમલી બની જશે. નવી કર વ્યવસ્થામાં કોઈ છૂટ અને કાપનો લાભ નહીં મળે. જો કે નવી કર વ્યવસ્થા વૈકલ્પીક છે એટલે કે કરદાતા ઈચ્છે તો તે જૂના ટેકસ સ્લેબના હિસાબથી પણ કર ભરી શકે છે.બીજી બાજુ નવા પ્રસ્તાવ હેઠળ પાંચ લાખ રૂપિયા વાર્ષિક આવકવાળાએ કોઈ કર આપવાનો થતો નથી. પાંચથી ૭.૫ લાખ રૂપિયા વાર્ષિક આવકવાળા માટે ટેકસનો દર ૧૦ ટકા, ૭.૫થી ૧૦ લાખ રૂપિયાની આવક પર ૧૫ ટકા, ૧૦ લાખ રૂપિયાથી ૧૨.૫ લાખ રૂપિયા ઉપર ૨૦ ટકા, ૧૨.૫ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયાની આવક ઉપર ૨૫ ટકા અને ૧૫ લાખ રૂપિયાથી વધુની આવક ઉપર ૩૦ ટકા ટેકસ લાગશે.જીએસટી કાઉન્સીલની ૩૧મી બેઠકમાં કરદાતા માટે નવી જીએસટી રિટર્ન સિસ્ટમ રજૂ કરવાનો નિર્ણય થયો હતો. આ સિસ્ટમ ૧લી એપ્રિલથી લાગુ થશે. સિસ્ટમ અમલી બન્યા બાદ રિટર્ન ભરવામાં ઘણી સરળતા રહેશે. નવી વ્યવસ્થા હેઠળ બે નવા ફોર્મ રજૂ કરવામાં આવે છે જેમાં જીએસટી ફોર્મ એએનએકસ–૧, જીએસટી ફોર્મ એએનએકસ–૨નો સમાવેશ થાય છે.૧ એપ્રિલ ૨૦૨૦થી વિદેશી ટૂર પેકેજ ખરીદવી અને વિદેશમાં ખર્ચ કરવો મોંઘો બનશે. જો કોઈ વિદેશી ટુર પેકેજ ખરીદે છે અથવા વિદેશી ચલણ એકસચેન્જ કરાવે છે તો સાત લાખ રૂપિયાથી વધુની રકમ પર ટેકસ કલેકશન એટ સોર્સ (ટીસીએસ) આપવો પડશે. કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ ૨૦૨૦માં સેકશન ૨૦૬સીમાં સંશોધન કરી વિદેશી ટુરપેકેજ અને ફડં ઉપર પાંચ ટકા ટીસીએસ લગાવવાનો પ્રસ્તાવ આપ્યો છે.એક એપ્રિલથી દેશમાં માત્ર બીએસ–૬ માપદડં ધરાવતાં વાહન જ વેચાશે. સુપ્રીમ કોર્ટે ઓકટોબર–૨૦૧૮માં આ આદેશ આપ્યો હતો કે ૩૧ માર્ચ ૨૦૨૦ બાદ બીએસ–૪ માપદંડના નવા વાહનો વેચાશે નહીં. બીએસ–૪ના વાહનોને વેચવા માટે ઓટોમોબાઈલ કંપનીઓ અનેક ઓફર્સ લઈને આવે છે અને પોતાની બીએસ–૪ ગાડીઓના અનેક મોડેલ્સ ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે.સરકારે તમામ મેડિકલ ડિવાઈસને ડ્રગ્સ જાહેર કરી દીધા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક જાહેરનામું પ્રસિદ્ધ કયુ છે જે અનુસાર માણસો–જાનવરો પર ઉપયોગ થનારા ઉપકરણો પણ ડ્રગ્સ કહેવાશે. આ પછી હવે ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક એકટની કલમ–૩ હેઠળ માણસો અને જાનવરો પર ઉપયોગમાં લેવાતાં ઉપકરણોને દવાની શ્રેણીમાં રાખવામાં આવશે.