ઉમરેઠ વડા બજારમાંથી કાળા બજારમાં લઈ જવાતા ૧૧ ટન સરકારી ઘઉંનોે જથ્થો ઝડપાયો

આણંદ, તા. ૨૬
ઉમરેઠ વડા બજારમાંથી ગત રાત્રીના સુમારે ઉમરેઠ પોલીસે કાળા બજારમાં લઈ જવાતા ૧૧ ટન સરકારી ઘઉંના ૨૩૨ કટ્ટાઓ ભરેલ આઈસર ટેમ્પો ઝડપી પાડી આ અંગે પુરવઠા વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર ઉમરેઠ પોલીસ ગત રાત્રીના સુમારે પેટ્રોલીંગમાં હતી ત્યારે ઉમરેઠ શહેરના વડા બજાર વિસ્તારમાં એક આઈસર ટેમ્પો શંકાસ્પદ ઉભો હતો. જેથી પોલીસે આ ટેમ્પોની તપાસ કરતા તેમાં ઘઉંનો જથ્થો ભરેલો હોવાનું જણાયું હતું. જેથી પોલીસે તપાસ કરતા ટેમ્પોમાં ભરેલા ઘઉંના કટ્ટાઓ પર રાહત દરે અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળના સરકારી ઘઉંનો જથ્થો હોવાના સીક્કા મારેલા હતા. જેથી પોલીસે આઈસર ટેમ્પોને ઉમરેેઠ પોલીસ મથકમાં લઈ જઈ ટેમ્પોમાં ભરેલા ઘઉંના જથ્થાની તપાસ કરતા તેમાંથી ૨૩૨ ઘઉંના કટ્ટાઓ મળી આવ્યા હતા. આ ઘઉં રેશન કાર્ડ ધારકોને વિતરણ માટેના ઘઉં હોવાનું જણાયુંહતું. જેથી પોલીસે ૧૧ ટન સરકારી ઘઉં ભરેલા ૨૩૨ કટ્ટાઓ ભરેલો આઈસર ટેમ્પો કબ્જે કરી ટેમ્પો ચાલકની પુછપરછ હાથ ધરી છે. પોલીસે આ અંગે ઉમરેઠ તાલુકા પુરવઠા અધિકારીને જાણ કરી તેઓની પાસેથી વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. સરકારી ઘઉંનો જથ્થો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે.