વસોની ત્યજી દેવાયેલી બાળકી વાલીને હમણાં નહીં સોંપાય

આણંદ, તા. ૧૦
વસો નજીક ફાટક પાસે ઝાડી – ઝાંખરામાંથી ત્યજી દીધેલી બાળકીને પરત મેળવવા માટે તેના વાલી દ્વારા ચાઇલ્ડ વેલ્ફેર કમિટી સમક્ષ અરજી કરવામાં આવી છે. જાેકે, બાળકીને તેના વાલીને સોંપવા બાબતે હમણાં કમિટી દ્વારા વિવિધ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. બુધવારે આ મામલામાં તપાસ કરનાર પોલીસ અધિકારીનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. જે અભિપ્રાય બાદ હાલમાં બાળકીને તેના વાલીને ન સોંપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
વસો નજીક ફાટક પાસેના ઝાડી-ઝાંખરામાંથી ત્યજી દેવાયેલી બાળકી મળી આવી હતી. જે બાળકીનો કબજાે લઇ વસો પોલીસે તેને માતૃછાયા અનાથ આશ્રમને સોંપી હતી. વસો પોલીસની તપાસમાં બાળકીનો જન્મ રામપુરના સરકારી દવાખાનામાં થયો હોવાનું અને તેના માતા-પિતા બાળકીના જન્મ પછી ગણતરીના કલાકોમાં જ તેને લઇને નીકળી ગયા હોવાનું માલુમ પડ્યું હતું. તપાસ દરમિયાન વસો પોલીસે બાળકીના માતા-પિતાને શોધી કાઢ્યા હતા. જેમાં સાળી સાથેના અનૈતિક સંબંધને કારણે બાળકીનો જન્મ થયો હોવાથી તેને ત્યજી દીધી હોવાની કબુલાત પિતાએ કરી હતી. સમગ્ર મામલામાં ઘટસ્ફોટ થયા બાદ બાળકીના પિતાએ તેને પરત મેળવવા માટે ચાઇલ્ડ વેલ્ફેર કમિટીમાં અરજી કરી હતી. જેના અનુસંધાને બુધવારે સમગ્ર મામલાની તપાસ કરનાર તપાસ અધિકારીનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો. જેમાં ઇરાદાપૂર્વક જ માતા-પિતાએ બાળકીને ત્યજી દીધી હોવાનું જણાવવામાં આવ્યું હતું. હાલમાં બાળકીના તબીબી પરિક્ષણના રિપોર્ટ અને અન્ય પુરાવાઓનો વિસ્તૃત અભ્યાસ કરી, તેના પરિવારની અને અન્ય તમામ બાબતોની તપાસ કર્યા બાદ જ બાળકીને સોંપવી કે નહીં તેનો અંતિમ ર્નિણય લેવામાં આવશે તેમ ચાઇલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન રાકેશભાઇ રાવે જણાવ્યું હતું.