
મોદીની ઑફિસ વેચવા કાઢનાર ચાર પકડાયા
વારાણસી,તા.૧૯
ઓનલાઇન જાહેરાત કરી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની ઑફિસ વેચવા કાઢનારા ચાર ગઠિયાની પોલીસે ધરપકડ કરી છે.
વડા પ્રધાન મોદી વારાણસીની લોકસભાની બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. આરોપીઓએ વડા પ્રધાનના જનસંપર્ક કાર્યાલયનો ફોટો લીધો હતો અને એ જગ્યાને ઓએલએક્સ વેબસાઇટ પર વેચવા માટે મૂકી હતી.
વારાણસીના જવાહરનગર વિસ્તારમાં ભેલુપૂર પોલીસ સ્ટેશનની સીમામાં મોદીની ઑફિસ આવેલી છે, એવી પોલીસે માહિતી આપી હતી.
પોલીસને જાણવામાં આવ્યું હતું કે કોઇ અજાણ્યા લોકોએ વડા પ્રધાન મોદીની ઑફિસ ઓએલએક્સ વેબસાઇટ પર વેચવા કાઢી છે. પોલીસે આ સંદર્ભે તુરંત એફઆઇઆર દાખલ કરી હતી અને આ કેસમાં સંડોવાયેલા ચાર શખસની ધરપકડ કરી હતી. વધુ તપાસ ચાલુ છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચાર વાર ગુજરાતના મુખ્ય પ્રધાન રહી ચુક્યા છે. ૨૦૧૪માં અને ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં તેઓ વારાણસી બેઠક પરથી ચૂંટાયા હતા.