પેટલાદ નગરપાલિકાની ૩૬ બેઠકો ઉપર કોનું પલ્લુ ભારે કહેવું મુશ્કેલ

આણંદ, તા. ૧
પેટલાદ નગરપાલિકાની ચુંટણીમાં ગત ટર્મમાં કોંગ્રેસની બહુમતી હતી ત્યારે ભાજપના ફાળે ૧૪ બેઠક અને કોંગ્રેસની ૨૨ બેઠક અને અપક્ષને બે બેઠક મળી હતી. જાેકે વર્ષોથી પેટલાદ શહેરમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે પરંતુ ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચુંટાયેલા કેટલાક કાઉન્સીલરોએ છેડો ફાડીને ભાજપ સાથે ભળી જઈને કોંગ્રેસની સત્તા પલટાઈ હતી. આ વખતે કોંગ્રેસ છોડીને ગયેલા તમામ કાઉન્સીલરો અપક્ષ ચુંટણી લડવાના તેઓ કોંગ્રેસ કે ભાજપ સાથે મળીને ચુંટણી લડવા ઈચ્છતા નથી. જ્યારે શહેરના કેટલાક વિસ્તારમાં કોંગ્રેસની પક્કડ છે પરંતુ તેવા વિસ્તારના કાઉન્સીલરો નારાજ હોવાથી આ વખતે કોંગ્રેસને મુશ્કેલી પડે તેમ લાગી રહ્યું છે.
પેટલાદ શહેરમાં ધારાસભ્ય નિરંજનભાઈ પટેલનું વર્ચસ્વ જાેવા મળ્યું હતું પરંતુ કોંગ્રેસની નેતાગીરીમાં માત્રને માત્ર પરિવારવાદ અને મળતીયાઓને સાથે રાખે છે. જ્યારે કોંગ્રેસમાં મન મુકીને કામ કરતા કાર્યકરોની સતત અવગણના થતી હોય છે. જેના કારણે કોંગ્રેસ પક્ષમાં યુવા પેઢીને વિશ્વાસ નથી. જેથી તેઓ અન્ય પક્ષ સાથે કે અપક્ષ ચુંટણી લડવા માટે મેદાનમાં ઉતરે છે. જેને લઈને આ વખતે કોંગ્રેસને પણ પેટલાદ પાલિકા કબ્જે કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. જ્યારે ભાજપ દ્વારા પેટલાદ શહેરમાં પાલિકા કબ્જે કરવા માટેના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ તેઓને કેટલાક વોર્ડમાં ઉમેદવાર મળતા નથી. જેના કારણે તેઓનું સંખ્યાબળ ઓછું રહેતું હોય છે. આ વખતે ૮ થી ૧૦ કાઉન્સીલરો અપક્ષ ચુંટણી લડવાના મુડમાં છે અને તેઓએ અત્યારથી તૈયારીઓ આરંભી દીધી છે. તે પણ મોટાભાગના કાઉન્સીલરો કોંગ્રેસની વર્ચસ્વ ધરાવતા વિસ્તારમા અપક્ષ ચુંટણી લડીને કાઉન્સીલર બનવા માંગે છે. જેથી પેટલાદ પાલિકાની ચુંટણીમાં આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાશે. આ ઉપરાંત આમ આદમી પાર્ટી અને એનસીપી પણ મેદાનમાં ઉતરે તો કેટલીક બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસના મતોની ગણતરી ઉપર આડ અસર કરે તેમ છે. જેને લઈને હાલમાં તો પેટલાદ શહેરમાં કોનું વર્ચસ્વ છે તે કહેવું પણ મુશ્કેલ બને છે.