આણંદ

મોગર સીમમાં આઈસર ટેમ્પોની પાછળ ટેમ્પો અથડાતા બેના મોત

આણંદ, તા. ૯
આણંદ તાલુકાના મોગર ગામની સીમમાં નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર ગત રાત્રીના ૯-૩૦ વાગ્યાના સુમારે ટાયર બદલવા માટે રોડની સાઈડમાં ઉભેલા આઈસર ટેમ્પોની પાછળ ધડાકાભેર પાછળથી આવતો ટેમ્પો અથડાતા એકને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બેને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ટેમ્પોના ચાલકને પણ ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બોરસદ તાલુકાના નાના શેરડી ગામના રબારીવાસમાં રહેતા અરજીભાઈ મેમાભાઈ રબારી ગામના જશવંતભાઈ માસ્તરની કપાસ ભરેલો આઈસર ટેમ્પો લઈને ઈડર જવા માટે નીકળ્યા હતા. તેમની સાથે ત્રણ ખેડુતો દિનેશભાઈ રાવજીભાઈ પઢીયાર, મનહરસિંહ જશવંતસિંહ ઝાલા અને લક્ષ્મણસિંહ છત્રસિંહ પઢીયાર અને ક્લીનર તરીકે ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર આઈસર ટેમ્પો લઈને નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર મોગર ગામની સીમમાં બીટુ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટેમ્પોનો આગળનું ટાયર ફાટતા ચાલક અરજીભાઈએ ટેમ્પોને કન્ટ્રોલ કરતા ટેમ્પો રોડની ડીવાઈડર નજીક ટ્રેક ઉપર ઉભો કરી દીધો હતો અને ગાડીની પાર્કિંગ લાઈટો ચાલુ કરી તેઓ ગાડીનું ટાયર બદલવા માટે ગાડીની નીચે ઉતર્યા હતા. અને અરજીભાઈ ગાડીનું ટાયર ખોલતા હતા જ્યારે ક્લીનર ગોકળભાઈ જેક ચડાવતો હતો અને ત્રણ ખેડુતો બાજુમાં ઉભા હતા ત્યારે રાત્રીના ૧૦-૩૦ વાગ્યાના સુમારે પાછળથી પુરપાટ ઝડપે આવતા ટેમ્પોના ચાલકે ઉભેલા ટેમ્પોને પાછળથી ટક્કર મારતા ટેમ્પો ખેંચાઈને ડીવાઈડર પર ચઢી ગયો હતો. જ્યારે દિનેશભાઈને માથામાં મનહરભાઈને થાપામાં અને પગમાં ઈજાઓ પહોંચી હતી. જ્યારે ક્લીનર ગોકળભાઈ જેઠાભાઈ પઢીયાર ટેમ્પો નીચે કચડાઈ જતા મોત નીપજ્યું હતું. જ્યારે પાછળથી અથડાનાર ટેમ્પોના કેબીનનો કચ્ચરગાણ વળી ગયો હતો. અને ડ્રાઈવર તથા ક્લીનર કેબીનમાં ફસાઈ ગયા હતા. જેમાં ડ્રાઈવરને ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવર રમણભાઈ ભીખાભાઈ પરમારને આસપાસથી દોડી આવેલા લોકોએ બહાર કાઢ્યો હતો. ઘટનાની જાણ થતા ૧૦૮ ની એમ્બ્યુલન્સ આવતા ઘવાયેલા બંને જણાને ત્વરીત સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા વાસદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને આ બનાવ અંગે અરજીભાઈ મેમાભાઈ રબારીની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે મોતને ભેટનાર બંને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ આજે તેમના પરિવારજનોને સુપ્રત કરાયા હતા.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button