આણંદ શહેરના સલાટીયાપુરામાં પત્ની સાથેના આડા સબંધના વહેમમાં માથામાં ઈંટ મારી

આણંદ, તા. ૫
આણંદ શહેરમાં સલાટીયાપુરા ભાથીજી મંદિર નજીક સાજીદભાઈ સંદેશરવાળાના ભેંસોના તબેલામાં પત્ની સાથેના આડા સબંધનો વહેમ રાખી બે શખ્સોએ યુવકને માથામાં ઈંટ મારી ઈજાઓ કરી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપ્યાનો બનાવ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાયો છે.
આણંદ શહેરમાં સલાટીયાપુરા વિસ્તારમાં ભાથીજી મંદિર નજીક રહેતા વિપુલભાઈ નગીનભાઈ ઠાકોર સાજીદભાઈ સંદેશરવાળાના ભેંસોના તબેલા પર દુધ ભરવાની નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. અને ભેંસના તબેલા નજીક રહેતા ગોપાલભાઈ ચીમનભાઈ ઠાકોર તેમના મિત્ર છે. જ્યારે નજીકમાં વિક્રમભાઈ ચંદુભાઈ ઠાકોર અને તેમના ભાઈ વિજયભાઈ ચંદુભાઈ ઠાકોરનો પરિવાર રહે છે. ગોપાલભાઈ ઠાકોર સાજીદભાઈના ભેંસોના તબેલામાં પોતાની ભેંસો માટે ઈન્જેક્શન લેવા માટે આવ્યા હતા અને વિપુલભાઈ તેઓને ઈન્જેકશન આપતા હતા ત્યારે વિક્રમભાઈ ઠાકોરે તબેલામાં આવી ગોપાલને તું મારી પત્ની સાથે કેમ બોલું છું તેમ કહી પત્ની સાથેના આડા સબંધનો વહેમ રાખી ઝઘડો કરી ગાળો બોલી ગોપાલભાઈને માથામાં ઈંટ મારી ઈજાઓ કરી ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ત્યારબાદ આસપાસના લોકો આવી જતા વિક્રમ અને વિજય ભાગી છુટ્યા હતા. જેથી આ બનાવ અંગે વિપુલભાઈ નગીનભાઈ ઠાકોરે આણંદ ટાઉન પોલીસ મથકે વિક્રમભાઈ ચંદુભાઈ ઠાકોર અને વિજયભાઈ ચંદુભાઈ ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.