
આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર રોડની સાઈડમાં ૧૦૦ થી વધુ કાચા ઝુપડાઓના દબાણો થયેલા હોઈ આજે નગરપાલિકાની દબાણ હટાવો ટીમ ત્રાટકી હતી અને સંકેત ચોકડીથી પ્રાપ્તિ સર્કલ સુધીના ૫૦ થી વધુ કાચા ઝુપડાઓના દબાણો દુર કરી દીધા હતા. તેમજ પ્રાપ્તિ સર્કલથી વિદ્યાનગર નાના બજાર તરફ જવાના સર્કલ સુધીના તમામ કાચા દબાણો ૨૪ કલાકમાં દુર કરવા ચેતવણી આપી દીધી હતી. આણંદ શહેરમાં સરદાર પટેલ રાજમાર્ગ પર છેલ્લા કેટલાક સમયથી રોડની સાઈડમાં ૧૦૦ થી વધુ ગેરકાયદેસર કાચા ઝુંપડાઓના દબાણો કરવામાં આવ્યા હતા. જેને લઈને નગરપાલિકા દ્વારા કાચા ઝુંપડાઓ બનાવી દબાણ કરનારાઓને વારંવાર દબાણો હટાવવા ચેતવણી આપવા છતાં દબાણો હટાવવામાં આવતા ન હતા. જેને લઈને આજે નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ, ઓફિસ સુપ્રીટેન્ડન્ટ રશ્મીકાંત પટેલ દબાણ હટાવો ટીમ સાથે જેસીબી મશીન અને ટ્રેકટરો મજુરોના કાફલો લઈ ત્રાટક્યા હતા. અને સંકેત સર્કલથી પ્રાપ્તિ સર્કલ સુધી ૫૦ થી વધુ કાચા દબાણો ઉપર સપાટો બોલાવી તમામ કાચા ઝુંપડાઓ દુર કરવામાં આવ્યા હતા. તેમજ પ્રાપ્તિ સર્કલથી નાના બજાર તરફ જવાના સર્કલ સુધીના ૫૦ થી વધુ દબાણકારોને ૨૪ કલાકમાં કાચા ઝુંપડાઓ દુર કરી દેવા સુચનાઓ આપી હતી. અને જાે ૨૪ કલાકમાં આ ઝુંપડાના દબાણો દુર કરવામાં નહી આવે તો પાલિકાની ટીમ દ્વારા તમામ ઝુંપડાઓ દુર કરી સામાન જપ્ત કરવાની કામગીરી હાથ ધરાશે તેવી ચેતવણી આપી હતી. દબાણ હટાવવા ગયેલી ટીમને દબાણકારો સાથે ઘર્ષણ પણ થયું હતું અને એક સમયે દબાણકારો હાથમાં ઈંટો લઈ દબાણ હટાવતા મજુરો પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હતું. પરંતુ દબાણ હટાવો ટીમ દ્વારા હિંમતભેર તમામ દબાણો દુર કરવામાં આવ્યા હતા.