
અમદાવાદ અને સુરત સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. આ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારે ફરીથી પત્રકાર પરિષદમાં જાહેરાત કરતાં જણાવ્યું છે કે રાજ્યમાં કોઈ લોકડાઉન કે દિવસ દરમિયાન કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે નહીં. શનિ-રવિમાં મોલ-થિયેટરોમાં લોકો એકઠા થાય છે, એથી એ બંધ રહેશે. સરકારે તમામ તૈયારીઓ કરી છે.લોકોએ ગભરાવાની જરૂર નથી, સાથે સાથે સાવચેતી રાખવાની જરૂર છે. અત્યારે જેટલા કેસ આવે એનાં પાંચ ગણાં બેડ તૈયાર રાખવાનો મેં આદેશ આપેલો છે અને એ મુજબ સરકાર દરરોજ રિવ્યૂ પણ કરે છે. દવા, ઈન્જેક્શન, ડોક્ટર આ તમામ વ્યવસ્થા પણ થઈ ગઈ છે. ધનવંતરી રથ, 104, સંજીવની, એ પણ આપણે ફરી શરૂ કર્યાં છે, એટલે હું માનું છે કે જરા પણ ગભરાવાની જરૂર નથી.
લોકડાઉનને લઈ શું બોલ્યા રૂપાણી
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં કોઈપણ પ્રકારનું લોકડાઉન નહીં લગાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હાલ જ્યાં રાત્રી કર્ફ્યૂ અમલી છે તે સિવાય વધારાનો ક્યાંય કર્ફ્યૂ નહીં નાંખવામાં આવે. વધતા કોરોના સંક્રમણને લઈ રાજ્ય સરકારે તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા છે. લોકોએ કોરોનાથી ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે. ગુજરાત બહારથી આવતાં લોકોનું સ્ક્રીનિંગ થઈ રહ્યું છે.
સરકારે તમામ કાર્યક્રમો રદ કર્યા
મુખ્યમંત્રીએ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં આવનારા લોકો વિશે વાત કરતાં કહ્યું હતું કે બહારનાં રાજ્યોમાંથી આવનારા તમામ લોકોનું આપણે સ્ક્રીનિંગ કરીએ છીએ. ભાજપે તમામ કાર્યક્રમો રદ કર્યા છે અને સરકારે પણ હાલમાં કોઈ કાર્યક્રમો ન કરવાનો નિર્ણય કર્યો છે.