Breakingઆણંદઉમરેઠ

ઉમરેઠમાં જમવા બાબતે ઝઘડો થતા પતિએ પત્નીની હત્યા કરી

આણંદ, તા. ૨૩
ઉમરેઠના એસએનડીટી ગ્રાઉન્ડ પર રાત્રીના સુમારે ભીખ માંગીને લાવેલા જમવા બાબતે ઝઘડો થતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીના માથામાં પથ્થર મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ ઉમરેઠ પોલીસ મથકે નોંધાયો છે.મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના સજલપુર ગામના વિક્રમભાઈ ઈશ્વરભાઈ સોલંકી છેલ્લા બે માસથી પોતાના પત્ની ઉષાબેન સાથે ઉમરેઠ એસએનડીટી ગ્રાઉન્ડ પાસે રહેતા હતા. અને મજુરી કરી તેમજ ભીખ માંગી ગ્રાઉન્ડમાં લીમડાના ઝાડ નીચે રહેતા હતા. ગઈકાલે રાત્રીના સુમારે વિક્રમભાઈ અને ઉષાબેન ભીખ માંગીને જમવાનું લાવેલા અને એસએનડીટી ગ્રાઉન્ડના ખુણામાં બેસીને જમવા બેઠા હતા ત્યારે બંને પતિ પત્ની વચ્ચે જમવા બાબતે ઝઘડો થતા બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી. જેમાં વિક્રમભાઈ ઉશ્કેરાઈ ગયો હતો. અને તેણે પોતાની પત્નીને માથામાં પથ્થર મારી હત્યા કરી વિક્રમ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જાેતા ઉષાબેન ઉ.વ. ૩૫ નો મૃતદેહ લોહીથી લથપથ પડ્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી પોસ્ટમોર્ટમ કરાવતા પ્રાથમિક પીએમ નોટમાં ઉષાબેનનું મૃત્યુ માથામાં વજનદાર બોથડ પદાર્થ થયેલી ઈજાથી થયું હોવાનું જણાયું હતું. જેથી પોલીસે હત્યા કરી ફરાર થઈ ગયેલા વિક્રમભાઈ સોલંકીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તે ટાઉન હોલના નીચેના ભાગમાં અંધારામાંથી મળી આવતા પોલીસે તેને પકડી પુછપરછ કરતા તેણે જમવા બાબતે ઝઘડો થતા ગુસ્સામાં આવી પત્ની ઉષાબેનની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. જેથી આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે હેકો શક્તિસિંહની ફરિયાદના આધારે વિક્રમભાઈ ઈશ્વરભાઈ સોલંકી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની હત્યાના ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button