ગુજરાતઆણંદ

વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરમસદ એકમ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સ્માર્ટ સ્ટીકનું વિતરણ

અખંડ ભુમંડલાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૪મા પ્રાગટ્ય દીન નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને સ્માર્ટ સ્ટીકનું વિતરણ

પ. પૂ. ગો. વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયશ્રી પ્રેરીત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન(VYO)ના નેજા હેઠળ વિશ્વભરમાં અનેકવિધ સેવાકીય કાર્યો સંપન્ન થઇ રહ્યા છે. આજે પુષ્ટિમાર્ગી વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક અખંડ ભૂમંડલાચાર્ય જગદ્ગુરૂ શ્રી વલ્લભાચાર્ય (શ્રી મહાપ્રભુજી)ના ૫૪૪મા પ્રાદુર્ભાવ ઉત્સવ નિમિત્તે શ્રી વ્રજરાજકુમારજીની મંગલ પ્રેરણા અને વિશ્વભરના વૈષ્ણવોની સેવા દ્વારા “Being Blind, Being Stronger” અભિયાન અન્વયે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓને ઉપયોગી એવી સ્માર્ટસ્ટીકનુ વિતરણ શરૂ કરવામાં આવેલ છે. તેના ભાગરૂપે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન કરમસદ એક્મ દ્વારા રાષ્ટ્રીય અંધજન મંડળ આણંદ એકમની હોસ્ટેલ ખાતે એક પ્રતિકાત્મક કાર્યક્રમ રાખવામાં આવેલ. કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આજ રોજ બે તબક્કે ફક્ત ૨૫ વ્યક્તિઓને સ્ટીક આપવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રોજેક્ટ અંતર્ગત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા આવનારા દિવસોમાં તબક્કાવાર રૂ. ૧૮.૫૧ કરોડની કિંમતની એક લાખ નંગ સ્ટીકનુ વિતરણ ભારતભરમાં કરવામાં આવશે. આ સ્ટીકની છુટક બજાર કિંમત અંદાજિત રૂ. ૩૦૦૦ પ્રતિ નંગ છે. જેના માટે દેશ અને દુનિયાભરમાંથી વૈષ્ણવોએ ઉદાર દિલથી સેવા કરેલ છે. આ સ્ટીકની ખાસિયાત એ છે કે તેમાં એક સેન્સર લાગેલ હોય છે. જેને મોબાઇલ ફોનની જેમ ચાર્જ કરતા રહેવાનુ હોય છે. આ ચાર્જરના કારણે આ સ્ટીક ધરાવનાર વ્યક્તિની આસપાસ એક થી ત્રણ ફુટ જગ્યામાં આવતી વસ્તુ, વ્યક્તિ કે અન્ય અડચણ વગેરેની આગોતરી જાણ સ્ટીકના હેન્ડલમાં રાખેલ વાયબ્રેટર મારફતે થઇ જાય છે. જેના કારણે આ સાધન દરેક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને રોજબરોજના જીવનમાં ખુબ ઉપયોગી તથા આશીર્વાદરૂપ સાબીત થાય છે. આ વિતરણ કાર્યક્રમમાં અંધજન મંડળ આણંદ એકમના પ્રમુખ મહેન્દ્રભાઇ પટેલ, મંત્રી સુધાબેન પટેલ, શ્રી જલારામ જન સેવા ટ્ર્સ્ટ ધર્મજ દ્વારા ચાલતી દિવ્યાંગ માટેની પ્રવૃત્તિના પ્રોજેક્ટ ડાયરેક્ટર રાજેશ પટેલ(ધર્મજ), વલ્લભ યુથ ઓર્ગનાઇઝેશન કરમસદ એકમના પ્રમુખ અંક્તિ પટેલ (મુખી), મહિલા પાંખના પ્રમુખ પીનાબેન પટેલ, યુવા પાંખના પ્રમુખ કુશ પટેલ તથા અન્ય સ્વંય સેવક ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહેલ.
કાર્યક્રમના પ્રારંભે દિપ પ્રાગટ્ય કરી સુધાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી અંધજન મંડળની પ્રવૃત્તિઓથી સૌને વાકેફ કરેલ. રાજેશ પટેલે સમગ્ર પ્રોજેક્ટની ટુંકી માહિતી આપવા સાથે આજના દિવસનુ માહત્મય જણાવતા કહેલ કે આ કોઇ દાન નથી પરંતુ એક વૈષ્ણવજન દ્વારા બીજા વૈષ્ણવની સેવા માત્ર છે. એક વૈષ્ણવ તરીકે શ્રી ઠાકોરજીની કૃપા અને પુ. શ્રી. વ્રજરાજકુમારજીની પ્રેરણાથી અમો સૌ આ સેવામાં નિમિત્ત બન્યા છીએ. આજનો દિવસ પૂ. શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય દિન હોઇ પવિત્ર દિવસ છે. ત્યારે સૌ પ્રજ્ઞાચક્ષુઓને મળેલ આ સ્ટીક તેમના રોજબરોજના કાર્યોમાં ઉપયોગી બની દૈનિક જીવન સરળ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ. અંક્તિ પટેલે આ સ્ટીક કેવી રીતે વાપરવી તે અંગે માહિતી આપેલ. જ્યારે પીનાબેને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનની નિયમિતપણે ચાલતી પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપેલ. હાલ કોરોના મહામારીના કારણે પ્રજ્ઞાચક્ષુઓને યાતાયાતમાં પડતી મુશ્કેલીઓ ધ્યાનમાં રાખી આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ સ્થળોએ આ પ્રકારના નાના કાર્યક્રમો યોજી મળવાપાત્ર તમામ લોકો સુધી આ સ્ટીક પહોંચે તેવો પ્રયાસ સંસ્થા દ્વારા કરવામાં આવશે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. તે અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કલેક્ટરશ્રી તથા તંત્ર તરફથી પણ પુરો સહકાર મળી રહ્યો છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button