આણંદ

આણંદમાં લક્ષ ટાઉનશીપ સામે ખુલ્લા ખેતરમાં મેડીકલ વેસ્ટનો નિકાલ કરવાની વધુ એક ઘટના

આણંદ, તા. ૧૫
આણંદ શહેરમાં મેડીકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ કરી કેટલીક હોસ્પિટલો બેદરકારી દાખવી રહ્યા છે. ત્યારે આણંદ જીટોડીયા રોડ ઉપર લક્ષ ટાઉનશીપ સામે આવેલા ખુલ્લા ખેતરમાંથી મેડીકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો છે. અને આ મેડીકલ વેસ્ટના એક પાઉચ ખાવાથી ગાયનું પણ મોત નીપજ્યું હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે. જાહેરમાં મેડીકલ વેસ્ટના નિકાલને લઈને સ્થાનિક લોકોમાં તંત્ર વિરુદ્ધ આક્રોશ પ્રવર્તી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં જીટોડીયા રોડ ઉપર આવેલી લક્ષ ટાઉનશીપની સામે આવેલા બીપીનભાઈ વકીલના ખેતરમાં કેટલાક બાળકો ક્રિકેટ રમવા માટે ગયા હતા. ત્યારે તેઓએ ખેતરના ખુણા પર દવાઓ, ઈન્જેકશનો અને લોહીના પાઉચ અને પીપીઈ કીટ જેવા મેડીકલ વેસ્ટનો જથ્થો પડેલો જાેતા તેઓએ આ અંગે ઘરના વડીલોને જાણ કરી હતી. જેથી ઘરના વડીલોએ તપાસ કરતા અહીયા મેડીકલ વેસ્ટનો જથ્થો પડ્યો હોવાનું જણાયું હતું.
નજીકમાં રહેતા સંજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે બે દિવસ પહેલા તેઓની ગાય મેડીકલ વેસ્ટમાં પડેલું પાઉચ ખાવાના કારણે ગાયનું મોત નીપજ્યું હતું. અહીયા નજીકમાં બાળકો રમતા હોય છે અને આસપાસમાં નજીકમાં રહેણાંક વિસ્તાર આવેલો છે ત્યારે અહીયા મેડીકલ વેેસ્ટનો નિકાલ લોકોના આરોગ્ય માટે હાનિકારક છે. ચાર દિવસ પુર્વે બે યુવકો લારીમાં ભરીને આ મેડીકલ વેસ્ટનો નિકાલ અહીયા કરી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે આ અંગે પાલિકા તંત્ર દ્વારા સત્વરે પગલા ભરવામાં આવે અને મેડીકલ વેસ્ટનો નિકાલ કરનાર હોસ્પિટલ વિરુદ્ધ ત્વરીત પગલા ભરવામાં આવે તેવી લાગણી જાેવા મળી રહી છે. આ અંગે આણંદ નગરપાલિકાના સેનેેટરી વિભાગના ચેરમેન હિતેશભાઈ પટેલ ઉર્ફે ભાણાભાઈએ કહ્યું હતું કે મેડીકલ વેસ્ટ જાહેરમાં નિકાલ કરનારની તપાસ કરી તેઓને નોટીસ આપી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
મેડીકલ વેસ્ટનો જાહેરમાં નીકાલ કરનાર સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ પણ પાંચ જેટલી હોસ્પિટલોને નોટીસો આપવામાં આવેલી છે.
ઘટનાની જાણકારી મળતા સેનેટરી વિભાગના ભદ્રેશ જાની તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તેઓએ ખેતરમાં પડેલા મેડીકલ વેસ્ટને તાત્કાલિક ટ્રેકટરમાં ભરી દઈ દુર કરાવ્યો હતો.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button