
કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે 14000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયુ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.
શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે.
36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.