આણંદ

પેટલાદ પંથકમાં બોગસ તબીબોનો રાફ્ડો, સૂંઠના ગાંગડે ગાંધી થવા નિકળેલ બોગસ તબીબો દ્વારા નિયમો, કાયદાઓના લીરેલીરા

મુન્નાભાઈ તગડી ફી વસુલી દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરે છે..!

પેટલાદ, તા. ૧૦
દેશના નાગરિકોને બંધારણે આપેલા અધિકાર મુજબ નાગરિકોના આરોગ્યની રક્ષા માટે વિવિધ યોજનાઓ દ્વારા સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે તેની સામે કેટલાક “સૂંઠના ગાંગડે ગાંધી થવા નિકળેલા” બોગસ તબીબો આજે પણ આરોગ્યને લગતાં કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભલે રાજ્ય અને કેન્દ્ર સરકાર તબીબી અને આરોગ્ય સેવાઓ પ્રજાને સંતોષકારક રીતે પૂરી પાડતી હોવાની ગુલબાંગો પોકારતી હોય, માં અમૃતમ યોજના હેઠળ વિવિધ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોટા ઓપરેશન નજીવા દરે કરતી હોવાનો સંતોષ માણતી હોય, પરંતુ ગુજરાત રાજ્યના અંતરીયાળ ગામોમાં અત્યંત કંગાળ હાલતમાં આરોગ્ય સુવિધાઓ મળતી હોવાનો રોષ આમ પ્રજા ઠાલવી રહી છે. પ્રજાને આરોગ્યની સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્ય સરકારે ઠેરઠેર પી.એચ.સી. સેન્ટર, આશાવર્કરો અને સરકારી હોસ્પિટલો દ્વારા પ્રજાને રાહત પહોંચાડવા પ્રયત્ન કરતી હોય પરંતુ આ સુવિધાઓ માત્ર કાગળ પર જ સબસલામતની આલબેલ પુકારે છે. કારણ કે સરકારી હોસ્પિટલોમાં તબીબોની ભરતી ન થયેલ હોવાથી પ્રજાજનો હોસ્પિટલમાં સારવાર મેળવવા માટે ધક્કે ચઢી રહ્યા છે. જેનો સીધો લાભ ગામડામાં નાની-મોટી હોસ્પિટલો ખોલીને બની બેઠેલા એમબીબીએસ મુન્નાભાઈ તબીબો લઈ ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે. નજીવા દર્દથી પીડાતાં દર્દીને દશ દિવસની દવા આપી ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયા સુધીની તગડી ફી વસુલી ગામડાની ભોળી પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે. તો કેટલાંક તબીબો ગાયનેક તરીકે મહિલાઓની પ્રસૂતા કરાવી આડેધડ રકમ વસુલી ગરીબ પ્રજાને હેરાન-પરેશાન કરતાં હોવાની બુમો ઉઠી છે. આવા તબીબો કાયદેસર છે કે કેમ ? તેની તપાસ સરકારે તાત્કાલિક ધોરણે આરંભી ગામડાંની પ્રજા દર્દથી પીડાય નહીં અને આવી પ્રજાને યોગ્ય તબીબ દ્વારા સારવાર મળે તેવા પ્રયત્નો હાથ ધરવાનો સમય પાકી ગયો છે. કમ્પાઉન્ડર જેવી લાયકાત ધરાવતાં બની બેઠેલા તબીબોના લાયસન્સ ચકાસી તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવાય તેવી ગ્રામજનો દ્વારા માંગ ઉઠી હોવાનું જાણવા મળે છે.
પેટલાદ પંથકમાં બોગસ તબીબો બિલાડીની તોપની જેમ ઉભરી આવ્યા છે. પેટલાદ પંથકના મોટા ભાગના ગામડાઓમાં હાટડીઓ ખોલી માનવીના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહ્યા છે ત્યારે આવા બોગસ તબીબો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવાની તાતી જરૂરિયાત હોવાનું પ્રજાનું માનવું છે. થોડાક દિવસો અગાઉ જ બોગસ તબીબો સામે કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં આણંદ જિલ્લામાં લગભગ ૯ જેટલાં બોગસ મુન્નાભાઈ ઝડપાયા હતા અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ હજુ પણ પેટલાદ પંથકમાં ખાનગી રાહે તપાસ કરવાની તાતી જરૂર છે. આવા બોગસ તબીબો આજે પણ પંથકના અનેક ગામોમાં હાટડીઓ ખોલી કાયદાથી અજાણ અને ભોળી પ્રજાને ઈન્જેક્શન, ગ્લુકોઝના બોટલ તથા દવા ગોળીના બમણાં પૈસા વસુલ કરી પ્રજાને વધુ મુશ્કેલીમાં મુકી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button