ટૉપ ન્યૂઝઆણંદગુજરાત

ગામડી તળાવ પાસે તંત્રની બેદરકારીથી સ્થાનિક રહીશો એક દાયકાથી પરેશાન

ગામડી વિસ્તારમાં ભારે વરસાદના પગલે તંત્રની બેદરકારીથી ઘરોમાં પાણી ઘુસતા લોકોને ઘર ખાલી કરવાની ફરજ પડી

આણંદ, તા. ૧૯
આણંદ શહેર અડીને આવેલા ગામડી ગામની સીમમાં વર્ષો જુનું તળાવ આવેલું છે. આ તળાવમાં મત્સ્ય ઉદ્યોગ માટે વર્ષોથી ભાડે આપવામાં આવે છે. તળાવની આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે. જાેકે બારેમાસ મત્સ્ય ઉદ્યોગને કારણે તળાવ પાણીથી ભરી રાખવામાં આવતું હોવાથી સામાન્ય વરસાદે પણ તળાવના પાણી છલકાઈને સોસાયટીમાં ફરી વળે છે. ભારે વરસાદ પડે તો આ વિસ્તારમાં આવેલી ત્રણ થી ચાર સોસાયટીના ૧૦૦ થી વધુ મકાનોમાં વરસાદી પાણી ઘુસી જાય છે તેમજ અવર જવરનો એકમાત્ર રસ્તા ઉપર જ ત્રણ થી ચાર ફુટ પાણી ભરાઈ જતા લોકોને બહાર નીકળવાનું પણ મુશ્કેલ પડે છે. તો વળી આ સોસાયટીઓમાં રહેતા લોકોને ચોમાસામાં ફરજીયાત ઘર ખાલી કરીને ભાડે રહેવા જવાનો પણ વખત આવે છે. શુક્રવાર સવારે ચોમાસાના પ્રથમ વરસાદે ૭ ઈંચ વરસાદ પડતાની સાથે ગામડી તળાવ ઓવરફ્લો થતા ૨૦૦૦ ક્યુશેક પાણી આજુબાજુના વિસ્તારોમાં ફળી વળ્યું હતું. તેમજ સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘુસી ગયા હતા. જેને કારણે સ્થાનિકોને સવાર સવારમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો વળી કેટલાક ઘરોમાં બે ફુટ પાણી ઘુસી જતા ઘર ખાલી કરવાનો વખત આવ્યો હતો. આ અંગે સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા એક દાયકાથી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ગ્રામ પંચાયત, આણંદ નગરપાલિકા, કલેકટર સહિત ગાંધીનગર સુધી રજુઆત કરવા છતાં પાણીના નીકાલની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા પ્રથમ વરસાદે સોસાયટીના રહીશોને આફતીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. શહેરના વિકાસની ગાથા ગાતા ફેસબુકીયા નેતાઓને આ નાગરિકોનો વલોપાત નજરે ચઢતો નથી.ભાજપ વોટબેંક આધારિત શહેરી વિકાસ કરતો હોવના આક્ષેપો અહીં થઈ રહ્યા છે. પાલિકાની વહીવટી નિષ્ક્રિયતા ને લઈ ચોમાસા દરમ્યાન ઘણા પરિવારો પોતાનું ઘર છોડી અન્યત્ર રહેવા જઈ રહ્યા છે. આણંદમાં આવેલ પધરીયા ફરતે વિસ્તારમાં ૭૦ થી થી પણ સોસાયટીઓ અને ફ્લેટના રહેણાંક વિસ્તાર અને તેવો જ વ્યાપારિક સંકુલ વિસ્તાર આવેલો છે.અહીં આશરે શહેરની ૩૫૦૦૦ થી વધુ વસ્તીનો સમાવેશ છે. વોર્ડ નં. ૫ ના ગરીબ અને મધ્યમવર્ગની બહુમતી ધરાવતા આ વિસ્તાર પ્રત્યે નગરપાલિકા શાસકો ઓરમાયું વર્તન કરતા હોવાનું નજરે ચઢી રહ્યું છે.પાલિકા શાસકોની નિષ્ક્રિયતા અને વહીવટી અનઘડતાને પરિણામે આ વિસ્તારના નાગરિકો ચોમાસામાં નર્ક સમાન યાતના અને જિંદગી જીવવા મજબૂર છે. ગામડી ગ્રામ પંચાયત દ્વારા તળાવને મચ્છી ઉછેર કેન્દ્ર તરીકે અપાયેલ હોઈ અહીં બારે માસ પાણી ભરેલું રહે છે.વળી ચોમાસુ હોય ત્યારે આ પાણીમાં વરસાદી પાણી ભળતા ઓવરફ્લો થતા સમગ્ર વિસ્તારમાં આ પાણી  પ્રસરી જાય છે. જે કારણે અહીં રહેતા લોકોના ઘરોમાં ઢીંચણ સમાં કે તેથી પણ વધુ પાણી ભરાઈ જાય છે.વળી ગટર બેક મારતા આવિસ્તારના રહીશો ને દૈનિક પ્રાતઃક્રિયામાં પણ મોટી સમસ્યા ઉદભવે છે અને પીવાના પાણી ,અનાજ અને ખાદ્ય ખોરાકની તકલીફોનો પણ અસહ્ય સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાને લઈ ઘણા પરિવારો આ વિસ્તાર છોડીને અન્યત્ર વસવાટ કરવા ચાલ્યા જાય છે. જાેકે આ સમય દરમ્યાન ઘરની શુ સ્થિતિ હશે ?અને કેટલું પાણી ભરાયું હશે ? કેટલું નુકશાન થશે ? જેવા વિચારોના વમલોમાં માનસિક યાતનાનો શિકાર બની રહ્યા છે. અહીંના નાગરિકો દ્વારા નગરપાલિકા સહિત જિલ્લા ના તમામ સબંધિત તંત્રને વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યા નિવારણ માટે કોઈ જ નક્કર પરિણામલક્ષી પગલાં લેવામાં આવતા નથી.આ યાતના પ્રતિદિન વધી રહી છે.
ગામડી તળાવની ફરતેનો વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે જેથી કોઈ કામ કરતું નથી
ગામડી ગામે આવેલું તળાવ ગ્રામ પંચાયતની હદમાં છે જ્યારે તેની આજુબાજુના સોસાયટીઓ આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવે છે. જેથી સૌથી મોટો પ્રશ્ન રજુઆત કોને કરવી તે પ્રશ્ન થઈ પડ્યો છે. ગ્રામ પંચાયતમાં રજુઆત કરીએ તો આ વિસ્તાર અમારામાં આવતો નથી જ્યારે પાલિકામાં રજુઆત કરીએ તો તળાવ આપણા વિસ્તારમાં આવતું નથી તેમ કહી બંને સત્તાધીશો છેલ્લા દસ વર્ષથી હાથ અદ્ધર કરી દેતા હોવાથી તળાવની ફરતે રહેતા ૧૦૦૦ લોકોને ચોમાસામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે.
ગામડી તળાવ – જકાત નાકા તરફ જઈને લાંભવેલ જતો કાંસ સાફ કરવા માટે રજુઆત કરાઈ છે
ગામડી તળાવથી જકાત નાકા થઈને લાંભવેલ તરફ જતા કાંસની સફાઈ કરવા માટે વારંવાર રજુઆત કરવામાં આવી છે. તેમ છતાં કાંસ સાફ થતો નથી. તેવી જ રીતે અમીન મંજીલથી પસાર થતા ખુલ્લો કાંસ પણ આગળ સાફ નહી કરાતા આ વિસ્તારમાં સામાન્ય વરસાદે પણ પાણી ભરાઈ જાય છે. જે અંગે આ વિસ્તારના કોંગ્રેસના કાઉન્સીલર સલીમશા દિવાન સહિતના આગેવાનોએ ગાંધીનગર સહિત જીલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી છે તેમજ સ્થાનિકોએ પણ ધારાસભ્ય, સાંસદ સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે તેમ છતાં આ કાંસની સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. જેને લઈને સ્થાનિકોમાં રોષ જાેવા મળી રહ્યો છે.
તળાવની ફરતે ઝાડી ઝાંખરા વધી જતા સાપલીયાઓ પણ સોસાયટીઓમાં ઘુસે છે
ગામડી તળાવની ફરતે ઝાડી ઝાંખરા મોટા પ્રમાણમાં છે તેની પણ ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવામાં આવતી નથી. જેના કારણે ઝેરી જીવજંતુ સહિત સાપલીયાઓનું પ્રમાણ વધી જાય છે. ભારે વરસાદ પડતા સાપલીયાઓ પાણી સાથે ઘરમાં ઘુસી જતા નાના બાળકોમાં ગભરાટ ફેલાઈ જાય છે. જે અંગે પણ ગ્રામ પંચાયતમાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. – બાબુભાઈ પરમાર
તળાવના મુખ્ય માર્ગ પર બે ફુટ પાણી ભરાઈ જતા ચરોતરનો અવાજની ટીમ પાણી ડહોળીને પણ સોસાયટીમાં પહોંચી
ગામડી તળાવ પાસે સાત ઈંચ વરસાદના પગલે એકીસાથે મોટા પ્રમાણમાં વરસાદી પાણી ધસી આવતા સોસાયટીમાં બે થી ત્રણ ફુટ પાણી ભરાઈ ગયા હતા. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું હતું. આ અંગે  સ્થાનિક કાઉન્સીલરો સહિત નેતાઓને પણ રજુઆત કરી છે. તેઓ માત્ર વોટસઅપથી ફોટા મંગાવવાની વાત કરતા હતા પરંતુ સામાન્ય લોકોની પરિસ્થિતિ શું છે તે જાેવા માટે આવવા તૈયાર ન હતા. ત્યારે ચરોતરનો અવાજના સંવાદદાતા મનન હીંગુ, અક્ષીત પટેલ સહિતની ટીમ ગામડી તળાવ પાસે પાણી ડહોળીને સોસાયટીમાં પહોંચી સ્થાનિક લોકોના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો. જેને સોસાયટીના રહીશોએ પણ બિરદાવ્યું  છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button