
બિગ બોસ ફૅમ સિદ્ધાર્થ શુક્લાનું ૪૦ની ઉંમરમાં હાર્ટ અટેકને કારણે અવસાન
મુંબઇ,તા.૨
૪૦ વર્ષીય ટીવી એક્ટર સિદ્ધાર્થ શુક્લાનું આજે (૨ સપ્ટેમ્બર)ના રોજ હાર્ટ અટેકને કારણે અવસાન થયું છે. ઉલ્લેખનીય છે કે સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ ૧૩’ને કારણે લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સિદ્ધાર્થે રાત્રે (બુધવાર, ૧ સપ્ટેમ્બર) કેટલીક દવાઓ લીધી હતી, પરંતુ ત્યારબાદ તે ઉઠ્યો નહીં. હોસ્પિટલે પછી પુષ્ટિ કરી હતી કે સિદ્ધાર્થનું મોત હાર્ટ અટેકને કારણે થયું છે.
સિદ્ધાર્થ શુક્લા ટીવી ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે. તેણે ‘બિગ બોસ ૧૩’ની સિઝન જીતી હતી. આ ઉપરાંત તેણે ‘ખતરો કે ખિલાડી ૭’ શો જીત્યો હતો. સીરિયલ ‘બાલિકા વધૂ’ને કારણે સિદ્ધાર્થ ઘેર-ઘેર લોકપ્રિય થયો હતો.શો જીત્યા પછી સિદ્ધાર્થ દર્શન રાવલના મ્યૂઝિક વીડિયો ‘ભૂલા દુંગામાં શહનાઝ ગિલ સાથે દેખાયો હતો. એ પછી બીજા સોંગ ‘દિલ કો કરાર આયામાં તેની ઓપોઝિટ નેહા શર્મા દેખાઈ હતી.
સિદ્ધાર્થનો ૧૨ ડિસેમ્બર, ૧૯૮૦ના રોજ મુંબઈમાં જન્મ થયો હતો. તેણે પોતાની કરિયરની શરૂઆત મોડલ તરીકે કરી હતી. ૨૦૦૮માં તેણે ‘બાબુલ કા અંગના છૂટે ના’થી ટીવી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે વિવિધ સિરિયલમાં કામ કર્યું હતું.સિદ્ધાર્થ શુક્લા ૨૦૧૪માં ફિલ્મ ‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’માં જાેવા મળ્યો હતો. ત્યારબાદ તેણે ‘બિઝનેસ કી કઝખસ્તાન’માં પમ કામ કર્યું હતું.
૦-૦-૦