ગુજરાત

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં આજે માવઠાંની આગાહી, આગામી ૩ દિવસમાં લઘુતમ તાપમાન ૩ ડીગ્રી ઘટશે, ઠંડીમાં વધારો થશે

અમદાવાદ,તા.૨૫
શિયાળાની ઋતુ ધીમા પગલે પગરવ માંડી રહી છે. દિવસે દિવસે ફૂલ ગુલાબી ઠંડીનો પ્રભાવ વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના અમુક ભાગોમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાંની સંભાવનાઓ છે. એની સાથે આગામી ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે, જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે. મોરબી અને ચોટીલામાં હળવો વરસાદ થતાં ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાય જાય એવી સ્થિતિ સર્જાઈ છે.
ઉત્તર પાકિસ્તાન તરફના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવામાન ખાતાએ આજે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની આગાહી કરી છે. રાજ્યના બાકીના ભાગોમાં વાતાવરણ સૂકું રહેશે. બીજી તરફ સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન ૨૧ અને મહત્તમ તાપમાન ૩૩ ડીગ્રી રહેવાની શક્યતાઓ છે. આગામી ત્રણેક દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે.
મેદાની વિસ્તારોમાં ફૂંકાયેલા પવનોની અસર ગુજરાતમાં પણ જાેવા મળી છે. ઉત્તર ગુજરાત અને અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સંઘ પ્રદેશ દીવ તથા દમણમાં પણ વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. પશ્ચિમ તથા ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સૂકું જાેવા મળશે. આગામી પાંચ દિવસ સુધી આ વિસ્તારોમાં વાતાવરણ સૂકું જાેવા મળશે.
સપ્ટેમ્બરમાં વરસાડે ધડબડાટી બોલવતા ખેડૂતોના પાકને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદે વિરામ લેતાં શિયાળો શરૂ થયો છે, પરંતુ હજી પણ સતત માવઠાંની આગાહી વચ્ચે ખેડૂતોની ચિંતાઓ ઓછી થઈ નથી. સૌરાષ્ટ્રમાં મગફળી અને કપાસના પાકને માવઠાને લીધે નુકસાન થવાની ભીતિ છે. રાજકોટ જિલ્લાના ધોરાજી, વીરપુર, મંડલિકપુરમાં તેમજ મોરબી જિલ્લાના હળવદ, માળિયા તથા દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા સલાયાના ગ્રામ્ય પંથક ઉપરાંત કાંકરેજ તાલુકાના થરામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો.
શિયાળાની સીઝન શરૂ થતાં જ આરોગ્ય વિભાગના નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના અને સ્વાઈનફ્લૂ અંગે લોકોએ તકેદારી રાખવી જરૂરી છે. આ વખતના શિયાળામાં આ બંને સંક્રમણ વકરી શકે એવી દહેશત છે. ગયા વર્ષે પણ દિવાળી પછી કોરોનાના કેસો ઝડપી વધ્યા હતા, જેની સંભાવના આ વખતે નકારી શકાય એમ નથી.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button