તેલંગણામાં ૨૯મે સુધી તથા યુપીના ગાઝીયાબાદમાં ૩૧મે સુધી લંબાવાયુ

નવી દિલ્હી, તા.૬
દેશમાં કોરોનાના કેસ કૂદકે ને ભૂસકે વધતા જ જઈ રહ્યા છે. ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાથી રેકોર્ડ ૧૯૫ મોત નોંધાયા છે. આ ઉપરાંત કુલ પોઝિટિવ કેસની સંખ્યા પણ ૪૬ હજારને પાર થઈ છે. સમગ્ર દેશમાં લોકડાઉન ૧૭ મે સુધી વધારવામાં આવ્યું છે ત્યારે હવે તેલંગણા અને ગાઝિયાબાદે સ્વયંભૂ લોકડાઉનની સમયમર્યાદા વધારી છે. નોંધનીય છે કે તેલંગણામાં કોરોના વાયરસના ૧૦૮૫ કેસ છે. તેલંગણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવે જણાવ્યુ હતું અકીલા કે તેલંગણામાં લોકડાઉનની સમયમર્યાદા વધારીને ૨૯મી કરવામાં આવી છે. કોરોના મહામારીના કારણે વધતા કેસને જોઈને રાજયમાં આ નિર્ણય લેવાયો છે. તેલંગણા ઉપરાંત ગાઝિયાબાદમાં પણ લોકડાઉનની સમયમર્યાદા વધારીને હવે ૩૧ મે સુધી કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના કલેકટર અજય શંકર પાંડેયએ જિલ્લામાં લોકડાઉન ગાઈડલાઈન્સમાં જણાવ્યું હતું કે હવે લોકડાઉનની તારીખ ૩૧ મે સુધી વધારવામાં આવી છે. મંગળવારે કલેકટરે આ મામલે દિશાનિર્દેશ પણ જાહેર કર્યા છે. આ નિર્દેશ અનુસાર જિલ્લામાં ૩૧ મે ૨૦૨૦ સુધી કોઈપણ રાજનૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને રમતગમત સંબંધિત આયોજન નહીં થઈ શકે. આ ઉપરાંત રેલી, પ્રદર્શન અને જુલૂસ જેવા કાર્યક્રમ પર પણ પ્રતિબંધ રહેશે. સામાન્ય લોકો માટે ધાર્મિક સ્થળો પણ બંધ રાખવામાં આવશે. લગ્ન તેમજ વૈવાહિક કાર્યક્રમમાં અથવા અંતિમ સંસ્કારમાં હાજરી માટે વહીવટી તંત્ર પાસેથી અનુમતિ લેવામાં આવશે.