Breakingગુજરાત

આણંદ જીલ્લામાં ડુપ્લીકેટ વિમલ ગુટખા બનાવવાનું કારખાનું ઝડપાયું, જાણો સોપારીની જગ્યાએ શેનો કરતા હતા ઉપયોગ

નકલી વિમલ, ગુટખા બનાવીને અમદાવાદમાં મોટા પાયે સપ્લાય કરાતો હોય, પોલીસે રેઈડ કરી સ્થળ પરથી બે શખ્સોને રૂા. ૧.૩૧ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા

આણંદ, તા. ૧૫
ખાદ્ય સામગ્રી સહિત વિવિધ પ્રોડક્ટોનું ડુપ્લીકેટ ચલણ છેલ્લા કેટલાક સમયથી વધી ગયું છે ત્યારે ગુટખા સહિત પાન મસાલા સીગારેટમાં પણ બનાવટી માલ મોટા પ્રમાણમાં બજારમાં ઠલવાતો હોય જે અંગેની ફરિયાદો ઉઠવા પામી હતી. આ બાબતે આણંદ પોલીસ આ બાબતે સતર્ક અને સક્રિય છે. આણંદ જિલ્લાના ઓડ ગામના દેવરામપુરા સીમમાં આવેલા રહેણાંક મકાનમાં ચાલતા ડુપ્લીકેટ વિમલ ગુટખા બનાવવાના કારખાનાનો આણંદ લોકલ ક્રાઈમ પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે સ્થળ પરથી બે શખ્સોને રૂા.૧.૩૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યાં હતાં. જ્યારે આ ગોરખ ધંધામાં સંડોવાયેલા અમદાવાદના અન્ય એક શખ્સને ઝડપી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ બનાવ અંગે ખંભોળજ પોલીસ ચોપડે ગુનો નોંધાયો છે.
ઉમરેઠ તાલુકાના ઓડ નજીક દેવરામપુરા સીમમાં રહેતાં અનુપ નાનાભાઈ પરમાર નામનો શખ્સ પોતાના ઘરમાં ડુપ્લીકેટ વિમલ ગુટખા બનાવવાનું કારખાનું ચલાવી રહ્યો છે અને બહારના વ્યક્તિની મદદથી ગુટખા પેકીંગ કરી બારોબાર કંપનીના નામે વેચી રહ્યો છે. તેની સાથે સકિલ ઇકબાલ વ્હોરા (રહે. વ્હોરા સોસાયટી, આણંદ) પણ સંડોવાયો હોવાની બાતમી એમ ફોર યુ ઇન્ટલેક્ચ્યુલ પ્રોપર્ટી રાઇટ સર્વિસીસ સુધી પહોંચી હતી.
આ કંપનીને વિમલ ગુટખાનો ટ્રેડમાર્ક અને કોપી રાઇટનો વગર પરવાને ઉપયોગ કરી ચીજ વસ્તુઓ બનાવતો તથા વેચતો હોય ત્યાં તપાસ કરી તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જેને લઈ કંપનીના હિરેનભાઈ પટેલ દ્વારા આ બાબતે આણંદ એલસીબીને જાણ કરતાં દરોડા પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વનું છે કે, આ સંદર્ભે એલસીબીની ટીમે શનિવારની નમતી બપોરે દેવરામપુરા સીમમાં પહોંચી અનુપના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં અનુપ ઘર બહાર જ ઓસરીમાંથી મળી આવ્યો હતો. પોલીસની ટીમે ઘરમાં તપાસ કરતાં એક શખ્સ પેકીંગ કરતો હતો, જેની અટક કરી પુછપરછ કરતાં તે સકિલ ઇકબાલ વ્હોરા (રહે.વ્હોરા સોસાયટી, આણંદ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેની તલાસી લેતાં તેની પાસેથી મોબાઇલ, રોકડ મળી આવી હતી. અનુપના ઘરમાં પોલીસ તપાસ દરમિયાન મીણીયાની થેલીઓ તથા ઇલેક્ટ્રીક મશીન મળી આવ્યાં હતાં. આ થેલામાં ડુપ્લીકેટ વિમલના પેકેજ તથા વિમલ બનાવવાનો સામાન હતો.
આ ઉપરાંત સ્થળ પરથી પોલીસે વિમલ પાન-મસાલાના સીલબંધ પડીકીઓ, નાના મોટા રોલ, પુઠાના બોક્સ, ઓટોમેટીક ઇલેક્ટ્રીક પાઉચ પેકીંગ મશીન, ઈલેક્ટ્રીક વજન કાંટો, કાથાનો પાવડર, મળી કુલ રૂ. ૧ લાખ ૩૧ હજાર ૮૯૩નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં અનુપ તથા સકિલ બન્ને વિમલ પાન મસાલા કંપની તરફથી કોઇ પરવાના વગર ડુપ્લીકેટ વિમલ પાન મસાલા બનાવતા હોવાનું કબુલ્યું હતું.
મહત્વનું છે કે, આ ડુપ્લીકેટ ગુટખાનો જથ્થો સકિલના કાકાના દિકરા મતીન ઉર્ફે ભયલુ યુનુસ વ્હોરા (રહે. અમદાવાદ)ને પુરો પાડતા હોવાનું જણાવ્યું હતું. આ ધંધામાં ત્રણેય ભાગીદારો છે. આથી, પોલીસે ત્રણેય સામે વિશ્વાસઘાત, છેતરપિંડી તથા કોપીરાઇટ તથા ટ્રેડ માર્કનો ઉપયોગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સોપારીના બદલે કચુકાનો ઉપયોગ કરતા હતા
સામાન્ય રીતે વિમલની ઓરીજનલ પેકેટમાં સોપારી આવે છે. પરંતુ આ શખસો છેલ્લાં કેટલાંય સમયથી સોપારીના બદલે કચુકાનો ઉપયોગ કરતા હોવાનું પણ પોલીસ સમક્ષ કબુલાત કરતાં જણાવ્યું હતું. આ સિવાય, છેલ્લાં કેટલાંય સમયથી તેઓ ફેક્ટરી ચલાવતા હતા. દરમિયાન, વચ્ચે થોડાં સમય બંધ રાખ્યું હતું. એ પછી બે દિવસ પહેલાં જ તેને ખોલ્યું હતું. એવું કહેવાય છે કે, માલ અમદાવાદ સહિતના શહેરોમાં મોકલતા હતા.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button