ટૉપ ન્યૂઝઆણંદરાજકારણ

પેટલાદ નગરપાલિકાની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય

ભાજપે પોતાની બેઠક જાળવી રાખી વિજયોત્સવ મનાવ્યો, ભાજપે કોંગ્રેસ સામે ૯૭૪ મતની જંગી સરસાઈ મેળવી

પેટલાદ, તા. ૩૦
પેટલાદ નગરપાલિકાના વોર્ડ નં. ૧ના કાઉન્સિલર અને ઉપપ્રમુખ ગોવિંદભાઈ તળપદાનું અવસાન થતાં સરકાર દ્વારા પેટા ચૂંટણીનો જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. જેની તા. ૨૮/૧૧/૨૦૨૧ ને રવિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ આજરોજ જાહેર થતા ભાજપનો ભવ્ય વિજય થયો હતો જેમાં ૩૨૨૮ મતો માંથી ૧૬૮૪ જંગી મતો મેળવતા ભાજપને પોતાની બેઠક જાળવી રાખવામાં ભવ્ય સફળતા મળી હતી.
પેટલાદ નગરપાલિકાની વોર્ડ નં. ૧ ની યોજાયેલ પેટા ચૂંટણીમાં કુલ ૫૨૪૦ મતદારો પૈકી ૩૨૨૮ મતદારોએ મતદાન કરતા મતદાનની ટકાવારી ૬૨% જેટલી થવા પામી હતી જેમાં બે મતદાન મથકોમાં કુલ પાંચ બુથો નક્કી કરાયા હતા. જેની મતગણતરી આજરોજ પેટલાદ સેવાસદન ખાતે ચૂંટણી અધિકારી અને નાયબ કલેકટર મનિષાબેન બ્રહ્મભટ્ટ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર મહેશ્વરીબેન રાઠોડની ઉપસ્થિતિમાં મતગણતરી હાથ ધરાતા કુલ મત જેમાં પ્રથમ રાઉન્ડથી જ ભાજપ સૌથી આગળ રહેવા પામ્યું હતું જેમાં ભાજપના નરેશકુમાર તળપદાને ૧૬૮૪ મત, કોંગ્રેસના જયેશભાઈ તળપદાને ૭૧૦, આમ આદમી પાર્ટીના સંજયભાઈ પટેલીયાને ૪૨૪, અપક્ષના વિજયભાઈ તળપદાને ૨૭૫ અને અપક્ષના તોફીકખાન પઠાણને ૮૬ મત મળ્યા હતા. આમ, ભાજપના નરેશકુમાર તળપદા કોંગ્રેસના જયેશભાઈ તળપદાથી ૯૭૪ મતોની સરસાઈથી વિજય પ્રાપ્ત કરતા ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ અબીલ ગુલાલની છોળો ઉડાડી ઉમેદવારને ફુલહાર કરી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.
મત ગણતરી સ્થળ સેવા સદન ખાતે પૂર્વમંત્રી સી. ડી. પટેલ, જીલ્લા પંચાયત કારોબારી ચેરમેન પ્રદિપભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પરીખ, નગરપાલિકા પ્રમુખ ગીતાબેન પટેલે, કારોબારી ચેરમેન કેતનભાઈ ગાંધી, જીલ્લા ભાજપ મંત્રી ધર્મેન્દ્ર પંચાલ, ડૉ. રાજુભાઈ ત્રિવેદી, નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરો સહિત કાર્યકરોએ પક્ષની જીતને વધાવી હતી. આમ, પેટલાદ નગરપાલિકાની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપે પોતાની બેઠક જાળવી રાખતા વિજયરથ આગળ ધપાવ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button