આણંદ
આણંદ શહેર સહિત જીલ્લામાં નાતાલ પર્વની તડામાર તૈયારીઓનો પ્રારંભ
જીલ્લાની કેટલીક સ્કુલોમાં ભગવાન ઈસુનો ટેબ્લો બનાવી ઉજવણી કરાઈ

આણંદ, તા. ૨૩
આણંદ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીને લીધે ખ્રિસ્તી સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. મહોલ્લા સહિત દેવળો અને ચર્ચને સજાવવામાં આવી રહ્યા છે. પવિત્ર નાતાલના દિવસે પ્રભુ ઈસુના જન્મદિન નિમિત્તે ચરોતરના તમામ ચર્ચમાં વિશેષ પ્રાર્થનાસભા તથા ખ્રિસ્ત મહાયજ્ઞ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ ખેડા જીલ્લાની કેટલીક સ્કુલોમાં નાતાલ પર્વ નિમિત્તે ભગવાન ઈસુના ટેબ્લો બનાવી તથા શાંતાક્લોઝના ડ્રેસમાં સજ્જ થઈને બાળકોએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. ઉમરેઠ સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં શાંતાક્લોઝના સરઘસ અર્થે રાજાઓ તથા પ્રભુ ઈસુના જન્મના ટેબ્લો સાથે સાંસ્કૃતિક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આણંદ શહેર સહિત જીલ્લામાં ખ્રિસ્તી સમાજના લોકોએ આજ સવારથી નાતાલ પર્વની ઉજવણી માટે સ્ટાર તથા ક્રીસ્મસ ટ્રી તથા રોશની માટે સીરીઝો ખરીદી કરવામાં ઉમટી પડ્યા હતા. તેમજ કેટલાક વિસ્તારમાં મહોલ્લા સજાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ચાવડાપુરામાં આવેલ ચર્ચ, સ્ટેશન રોડ ચર્ચ સહિતના નાના મોટા તમામ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી માટે વિશેષ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
પેટલાદમાં સુણાવ રોડ,મરીયમપુરા સહિતના વિસ્તારોમાં નાતાલ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. “નાતાલ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ” ૨૫મી ડિસેમ્બર સમગ્ર વિશ્વ નાતાલ પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે. ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા નાતાલ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પેટલાદમાં વિવિધ ચર્ચને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા છે. સુણાવ રોડ ઉપર આવેલ સી.એન.આઈ. ચર્ચને આકર્ષક રોશનીથી ઝગમગતું કરાયું છે.
ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા નાતાલ પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ દિવસ. સમગ્ર વિશ્વ નાતાલ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે. ખ્રિસ્તી ભાઇ બહેનો પોતાના ઘરને આકર્ષક રોશનીથી શણગારી છે. અને પોતાના ઘર આગળ આકર્ષક તારો લટકાવે છે. તારો પ્રભુ ઈસુના જન્મની નિશાની છે. પ્રભુ ઈસુનો જન્મ થયો ત્યારે આકાશમાં એક તારો પ્રકાશિત થયો હતો. જેને લઈને આજે ખ્રિસ્તી ભાઈ-બહેનો પોતાના ઘર ઘરે તારો લટકાવે છે. નાતાલ પર્વને લઇને પેટલાદ પંથકમાં ખ્રિસ્તી ભાઈ-બહેનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
Advertisement