
આણંદ શહેરના સાઇબાબા મંદિરના કર્મચારીની લાશ બે દિવસ પહેલા મંદિરના ઘરડા ઘર પાસેથી જ મળી આવી હતી. જેના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ગળુ દબાવી, મારમારી હત્યા કરાઇ હોવાનું ખુલતાં પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે. જેમાં મૃતકના સાવકા ભાઈએ મંદિરના વિક્રમ મહારાજ સામે શકદાર તરીકે દર્શાવતા પોલીસે તેમની સામે ગુનો નોંધી પુછપરછ હાથ ધરી છે.
આણંદના લાંભવેલ હનુમાન મંદિર પાસે રહેતા મફતભાઈ રામાભાઈ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારી બીજી માનો દિકરો કમલેશ ચંદુભાઈ રાઠોડ (ઉ.વ.46) મારા ગામમાં મારી સાથે રહેતો હતો. પરંતુ તે છેલ્લા દસેક વર્ષથી આણંદ શહેરના સાંઇબાબા મંદિરમાં મંદિરનું કામકાજ કરતો હતો અને મંદિરમાં જ રહેતો હતો. રજાના દિવસે ક્યારેક ક્યારેક ઘરે આવતો હતો.
આ દરમિયાનમાં 19મી ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી હોવાથી કમલેશ મત આપવા માટે આવ્યો હતો. આ સમયે ઘરે રાત્રિ રોકાણ કર્યું હતું. તે વખતે તે મુંઝવણમાં હોવાનું લાગતા કારણ પુછ્યું હતું. જેમાં તેણે જણાવ્યું હતું કે, મંદિરમાં સેવાપુજાનું કામ કરતાં વિક્રમ મહારાજ મને ઘણા સમયથી હેરાન કરે છે. આથી, તેને મંદિરે જવાની ના પાડી હતી અને નવો ધંધો કરીશું. તેવી વાત કરી હતી. પરંતુ કમલેશ મંદિરમાં કામ કરતો હોય અને ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખતો હોવાથી પાછો મંદિરે જતો રહ્યો હતો.
આ દરમિયાનમાં 23મી ડિસેમ્બર,21ના રોજ સવારના સાડા દસેક વાગ્યે ખબર મળ્યા કે કમલેશનું અગમ્ય કારણોસર મોત નિપજ્યું છે અને લાશ સાંઈબાબા મંદિરની પાછળના ભાગમાં પડી છે. આ મામલો શંકાસ્પદ જણાતાં પોલીસમાં ફરિયાદ આપી હતી. આ બનાવમાં પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કમલેશનું મોત તેની છાતી ઉપર કોઇ બળપ્રયોગ કરી છાતીના અંદરના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમજ ગળુ દબાવી, માથામાં અંદરના ભાગે ગંભીર ઇજા કરી હોવાનું જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું છે કે કમલેશ છેલ્લા ઘણા વર્ષોથી સાંઇબાબા મંદિરના પુજારી વિક્રમ મહારાજની સાથે આખો દિવસ રહેતો હતો. તેમને પુછતા તેઓ વાત ટાળતાં હતાં અને ગોળ ગોળ વાતો કરતાં હતાં. વિક્રમ મહારાજે કોઇ પણ રીતે બળપ્રયોગ કરી છાતીના અંદરના ભાગે ગંભીર ઇજા કરી, ગળુ દબાવી અને માથામાં ગંભીર ઇજા કરી હત્યા કરી નાંખી છે. વિક્રમ મહારાજ ઘણા સમયથી કમલેશને હેરાન કરતાં હતાં. આ ફરિયાદ આધારે આણંદ ટાઉન પોલીસે શકદાર તરીકે વિક્રમ મહારાજ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ટુંકજ સમયમાં ભેદ ઉકેલાઈ જશે: વાય.આર.ચૌહાણ ટાઉન,PI આ સંદર્ભે આણંદ ટાઉન પોલોસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર વાય.આર ચૌહાણ સાથે વાત કરતા તેઓ જણાવ્યું હતું કે પોસ્ટમોટમ રિપોર્ટના આધારે હત્યા થયાનું માલુમ પડતું હોય હાલમાં ગુનો નોંધી અને તેઓ એ પોતે ઘટના સ્થળ પાર તાપસ હાથ ધરી હતી અને અલગ અલગ ટિમો બનાવી મંદિરમાં કામ કરતા અલગ કર્મચારીઓની પૂછપરછ ચાલુ છે. અને ટૂંક જ સમયમાં આ સંપૂર્ણ ભેદ ઉકેલાઈ જશે તેમ જણાવ્યું હતું
વિક્રમ મહારાજ પણ અવાર નવાર ઘરે આવતા હતા
લાંભવેલની ઇન્દીરાનગરી ખાતે રહેતા કમલેશના ઘરે અવાર નવાર વિક્રમ મહારાજ આવતાં હતાં. જેથી કમલેશના પરિવારના સભ્યો પણ વિક્રમ મહારાજને ઓળખતાં હતાં. વિક્રમ મહારાજ છેલ્લા ચારેક વરસથી મંદિરમાં સેવા પુજા કરે છે અને તેઓ પેટલાદ પાઠશાળામાં જ અભ્યાસ કર્યો છે.