
- ખેડા નગરાપાલિકાના પ્રમુખે દ્વેષભાવ રાખી ખાનગી માલિકીનું મિલકતમાંથી દબાણ દુર કરી સત્તાનો દુરપયોગ કર્યો હતો
પ્રગ્નેસ ભાવસાર, ખેડા તા. ૩૧
ખેડા નગરપાલિકાના પ્રમુખ દ્વારા ખાનગી માલિકીની જમીનમાં થયેલ બાંધકામ દુર કરવા માટે ખોટી રીતે સત્તાનો દુરપયોગ કરી હુકમ કરી દબાણ દુર કર્યું હતું. જે અંગે અરજદારે ગુજરાત મ્યુનિસીપલ કમિશ્નર ગાંધીનગરને રજુઆત કરી હતી તેમજ કોર્ટમાં પણ પીટીસન દાખલ કરી હતી. આ બાબતે ગુજરાત હાઈકોર્ટે ગુજરાત મ્યુનીસીપલ કમિશ્નરને યોગ્ય તપાસ કરી જવાબદાર સામે પગલા લેવા જણાવ્યું છે. આખરે મ્યુનીસીપલ કમિશ્નર દ્વારા જરુરી પુરાવા તથા તપાસ કર્યા બાદ ખેડા નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન સોલંકી જવાબદાર જણાતા તેઓને પ્રમુખ પદેથી દુર કરવાનો હુકમ કર્યો છે. જેના પગલે ભાજપ ના કાઉન્સીલરોએ ફટાકડા ફોડીને ઉત્સવ મનાવ્યો હતો. કારણ કે અપક્ષના પ્રિયંકાબેન સોલંકીએ જે તે સમયે ભાજપના ત્રણ કાઉન્સીલરોના ટેકાથી સત્તા મેળવી હતી.
ખેડા નગરપાલિકાના હદ વિસ્તારમાં શાલીમાર સોસાયટીમાં બિલ્કીસબેન સફીમહમંદભાઈ વ્હોરાનું મકાન આવેલું છે. જે ખાનગી માલિકીમાં મકાન તૈયાર કર્યું હતું. તેમાં કોઈપણ પ્રકારનું દબાણ કરવામાં આવ્યું નથી. તેમ છતાં ખેડા નગરપાલિકાના પ્રમુખે જે તે સમયે સેનેટરી ઈન્સ્પેક્ટર તથા ડ્રાઈવરને દબાણ દુર કરવા જણાવ્યું હતું. ખરેખર ખાનગી માલિકીમાં કાયદેસરનું બાંધકામ હતું. અને મંજુરી મેળવીને બાંધકામ કરેલું છે. તેમ છતાં પાલિકાના પ્રમુખે પોતાની સત્તાનો દુરપયોગ કરી ખોટી રીતે દબાણ દુર કર્યું હતું. જે બાબતે સફીમહમંદ ગુલામભાઈ વ્હોરાએ દબાણ દુર કરવાની સત્તા ચીફ ઓફિસરને હોય છે પાલિકાના પ્રમુખને હોતી નથી. જે અંગે રજુઆત કરી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી થતી ન હતી .
આખરે ગુજરાત હાઈકોર્ટમાં પીટીસન દાખલ કરી હતી. જેથી હાઈકોર્ટે જરુરી તપાસ કરીને પુરાવા કોર્ટમાં રજુ કરવા ચીફ ઓફિસરને જણાવ્યું હતું. જે તે સમયે ચીફ ઓફિસરે તપાસ કરીને કોર્ટમાં પુરાવા રજુ કર્યા હતા. તે પુરાવાના આધારે હાઈકોર્ટે ખેડા પાલિકાના પ્રમુખ સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવા ગુજરાત મ્યુનીસીપલ કમિશ્નર ગાંધીનગને જણાવ્યું હતું. જેથી મ્યુનીસીપલ કમિશ્નર રાજકુમાર બેનીવાલાએ તમામ પુરાવાના હાઈકોર્ટના આદેશ મુજબ ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ મળેલ સત્તાના રુએ ખેડા નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન વિપુલભાઈ સોલંકીને હોદાનો દુરપયોગ કરતા પ્રમુખ પદેથી પ્રિયંકાબેનને દુર કરવાનો હુકમ કર્યો હતો