આણંદ
ચરોતરમાં વાદળો હટતા પુનઃ ઠંડીનો દોર શરૂ, એક જ દિવસમાં ૪ ડીગ્રી તાપમાન ઘટ્યું
ગુરૂવારે તારાપુર, કપડવંજ, ખેડા સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા જાેવા મળ્યા હતા

આણંદ, તા. ૭
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પગલે ખેડા અને આણંદ જિલ્લામાં છેલ્લા દોઢ માસમાં ચોથી વખત વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠાના પગલે શિયાળુ પાક પર ખતરો તોળાઇ રહ્યો છે. જાેકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવાર શનિવાર પણ સામાન્ય વાદળો જાેવા મળશે અને કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદી છાંટાનો દોર રહેશે. સવારે વાદળો હટતા જ ચાર ડીગ્રી તાપમાન ઘટતા ઠંડીનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. અને આગામી ચાર દિવસ સુધી તાપમાનમાં કોઈ વધઘટ થશે નહી તેમ હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું છે. સામાન્ય તાપમાન કરતા એક ડીગ્રી તાપમાન નીચું રહેશે.
ગુરૂવાર સાંજના સમયે બંને જિલ્લામાં અનેક ઠેકાણ હળવા છાંટા વરસ્યા હતો તો હજુ ૨૪ કલાક સુધી હળવા ઝાપટાં વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખેડા, કપડવંજ વિરપુર અને તારાપુર વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદી છાંટાના પગલે ખેડૂતો ચિંતા વ્યાપી ગઇ છે. ભારે માવઠું થાય તો ઘઉં, કઠોળ અને બગાયતી પાકને નુકશાન થવાની સંભાવના છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યું હતું કે હાલમાં પલટાયેલા વાતાવરણને પગલે શુક્રવારના રોજ કેટલાંક વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. જયારે શનિવાર અને રવિવારે વાદળછાયું વાતાવરણ રહેશે. સોમવારથી વાદળો હટી જતાં ઠંડીનો ચમકારો જાેવા મળશે. શુક્રવારના રોજ વાદળો હટતાની સાથે જ ઠંડીનો દોર શરુ થયો હતો.
સામાન્ય વરસાદના પગલે શાકભાજી પાકના ઉતારાને સીધી અસર થશે. શાકભાજીના છોડ પર બેઠેલા ફુલો ગરી જતાં આગામી ચાર પાંચ દિવસ ઉતારો ઓછો જાેવા મળશે. જયારે માવઠું થાય તો રાયડો, બટાકા, કેળ અને કઠોળના પાકને નુકસાન કરી શકે છે. આણંદ જિલ્લા કૃષિ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરૂવારે મહત્તમ તાપમાન ૨૬ ડિગ્રી, લઘુત્તમ તાપમાન ૧૪.૮ ડિગ્રી અને ૯૨ ટકા ભેજ સાથે ૨.૨ની ગતિએ પવન ફૂંકાયો હતો.
Advertisement