
- માતર પંથકની હજારો હેકટર જમીન કેમીકલ યુક્ત થઈ જતા ખેડુતો પાયમાલ, ગુજરાત પ્રદુષણ બોર્ડ ખેડા જીલ્લા દ્વારા કેમીકલ કંપનીઓને છાવરવામાં આવી રહી છે,
- ફરિયાદ મળે તો તપાસનું નાટક કરી સબસલામતની વાતો કરી છે, સુરતમાં ઝેરી કેમીકલના બનાવ બાદ રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાત પ્રદુષણ બોર્ડને કેમીકલ સહિતનો વેસ્ટ ઠાલવતી કંપનીઓ સામે કાર્યવાહી ન કરનાર કર્મીઓ સામે પગલા લેવાની સુચના આપી તો ખેડા જીલ્લામાં કેમ નહિ ?
આણંદ, તા. ૧૩
માતર પંથકના છેવાડાના ભલાડા, લીંબાસી, સાયલા સહિત વિસ્તારોમાં કેમીકલ કંપનીઓ દ્વારા અવાર નવાર કેમીકલ વેસ્ટ ઠાલવી જવામાં આવે છે. જેના કારણે હજારો એકર જમીનમાં ઝેરી કેમીકલ ફેલાઈ જતા ખેતીલાયક રહી નથી. તાજેતરમાં સાયલા ગામે એક કંપની દ્વારા દુષિત કેમીકલ ઠાલવી જવા બાબતે ચરોતરનો અવાજ ન્યુઝ ચેનલ દ્વારા સમાચાર પ્રસિદ્ધ કરીને અહેવાલ પ્રસારીત કર્યો હતો કે ખેડા જીલ્લાના માતર તાલુકાના ભલાડા ગામના ચરા વિસ્તારમાં આવેલ જમીનમાં ખાડા કરી કેમીકલ ઠલવાતું હોય તેવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હોવા છતાં જીપીસીબીના અધિકારીઓએ તપાસનું નાટક કરી રીપોર્ટ બનાવી સબસલામતીની વાતો કરીને પડદો પાડી દીધો હતો. ત્યારે ખેડા એલસીબીએ ગઈકાલે લીંબાસી સીમ વિસ્તારમાં ઝેરી કેમીકલ ઠાલવવા આવેલા બે ટેન્કરોને ઝડપી પાડ્યા હતા. આ ટેન્કર ઈસ્કોન ફેકટરીમાંથી ભરીને લાવ્યા હોવાનું ખુલ્યું હતું. આ અંગે ગુજરાત પ્રદુષણ બોર્ડ ખેડા જીલ્લાના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ રુબરુ આવો તો જ વાત કરીશું તેમ કહી ભીનુ સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
ખેડા જીલ્લા પ્રદુષણ બોર્ડના અધિકારી દ્વારા જીલ્લામાં પ્રદુષણ ઘટે તે માટે કોઈ રસ દાખવતા નથી. તેઓ તો માત્ર પ્રદુષણના નામે કાર્યવાહી કરીને સંતોષ માની રહ્યા છે. પરંતુ ભલાડા પંથકની હજારો એકર જમીન કેમીકલ યુક્ત થઈ રહી છે જાે તે અટકાવવામાં નહી આવે તો આગામી દિવસોમાં માતર પંથકના ખેડુતો ખેતર વિનાના થઈ જતા આર્થિક પાયમાલ થઈ જવાની ભીતિ વર્તાઈ રહી છે. આમ આણંદ ખેડા જીલ્લાના પ્રદુષણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન માત્ર સરકારી રીપોર્ટ કરવામાં આવે છે. કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી તેના કારણે કેમીકલ માફીયાઓ અને કંપનીઓ બેફામ બની ગઈ છે.
ખેડા જીલ્લા ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી ત્યારે બાતમી મળી હતી કે લીંબાસી ગામની સીમમાં આવેલ વસ્તાણા ગામ નજીક અમરાભાઈ કાલાભાઈ ભરવાડના ખેતરમાં કેમીકલયુક્ત દુષિત પાણી ઠાલવેલ છે. જે અંગે પોલીસની ટીમે બાતમીના આધારે રેઈડ પાડીને તપાસ કરતા તે સમયે બે ટેન્કરો દુર્ગંધયુક્ત પ્રદુષિત પાણી ઠાલવતા હતા. અને ટેન્કરમાંથી કથ્થઈ કલરનું દુષિત કેમીકલ છોડવામાં આવી રહ્યું હતું. જે બાબતે પોલીસે પ્રદુષણ બોર્ડના અધિકારીઓને જાણ કરી સેમ્પલ લેવા જણાવ્યું હતું. તેમજ સ્થળ પરથી પોલીસે ટેન્કરના ચાલક હુસેનશા રુસ્તમશા ફકીર અને અજીતખાન અકબરખાન પઠાણની પુછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું ટેન્કરના માલિક મફતભાઈ ભીખાભાઈ ભરવાડના કહેવાથી ચનોર પાટીયા પાસે આવેલ ઈસ્કોન ફેકટરીમાંથી દુષિત પાણી ભરી લાવી અહીયા ખાલી કરવામાં આવ્યું છે. આ બનાવ અંગે એલસીબીએ બંને ટેન્કરો તથા ૪૦ હજાર લીટર પ્રવાહી સહિતનો મુદામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisement