આણંદ

મહુધા પોલીસની રહેમ રાહે ફુલીફાલેલી વિદેશી દારૂની બદી ઃ એલસીબીએ રેઈડ પાડીને ૩.૧૯ લાખનો દારૂ ખુંટજથી ઝડપી પાડ્યો

આણંદ, તા. ૧૮
ખેડા જિલ્લામાં ઈંગ્લિશ દારૂની રેલમછેલ જામી છે. બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો લાવી સંગ્રહ કરી તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે દારૂના આવા વેપલા પર પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ થતાં પોલીસે પેટ્રોલીંગ સઘન બનાવ્યું છે. જે દરમિયાન બાતમીના આધારે એલસીબી પોલીસે મહુધા પંથકમાં ચાલતાં આવા વેપલા પર ગઈકાલે રવિવારે રાત્રે છાપો મારી એક ઇસમને દબોચી લીધો છે. પોલીસે કુલ રૂપિયા ૩.૧૯ લાખના ઈંગ્લિશ દારૂના જથ્થા સાથે ચાર અન્ય બુટલેગરોના નામ બહાર લાવવામાં સફળતા મળી છે. આમ પોલીસે કુલ ૫ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
નડિયાદ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મહુધા પોલીસ સ્ટેશનના હદના ખુંટજ ગામના મલેકપુરા વિસ્તારમાં રહેતો અઝરુદ્દીન ઉર્ફે અજાે યુનીસભાઇ મલેક પોતે મલેકપુરા-રાઠોડપુરા તરફ જવાના રસ્તા પર વિદેશી દારૂનો વેપલો કરે છે. આથી પોલીસે ગતરાત્રે અઝરુદ્દીનના મકાનમાં દરોડો પાડ્યો હતો. પોલીસે આ દરોડામાં ખાટલા પર આરામ ફરમાવતા અઝરુદ્દીન ઉર્ફે અજા મલેકને સ્થળ પરથી ઝડપી લીધો હતો. જ્યાં તેણે છુપાવેલો ઈંગ્લિશ દારૂ પોલીસે કબ્જે કર્યો હતો. જેની ગણતરી કરતાં ઈંગ્લિશ દારૂની બોટલ નંગ ૨૮૮ તથા બીયર ટીન નંગ ૨૦૪૦ મળી કુલ રૂપિયા ૩ લાખ ૧૯ હજાર ૨૦૦નો વિદેશી દારૂ ઝડપાયો હતો. જ્યારે પકડાયેલા અઝરુદ્દીન પાસેથી એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૩ લાખ ૨૪ હજાર ૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે અઝરુદ્દીન ઉર્ફે અજા મલેકની પુછતાછ કરતાં અન્ય ૪ બુટલેગરોના નામ ખુલ્યા છે. જેમાં પોલીસની પુછપરછ દરમિયાન પકડાયેલા આરોપીએ આ દારૂનો જથ્થો ઈરફાન ઉર્ફે ગટીયો કાલુમીંયા મલેક, સાજીદ મહેબુબ મલેક, સાજીદ હશીનભાઈ મલેક (તમામ રહે. ખુંટજ, તા. મહુધા) અને મહંમદ ઓવેસ (રહે. અમદાવાદ) મૂકી ગયા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું છે. આમ એલસીબી પોલીસે ૫ વ્યક્તિઓ સામે પ્રોહીબીશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button