આણંદ

ચરોતરમાં પ્રજાસત્તાક દિને ૪૪૫ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

એક્ટીવ દર્દીઓની સંખ્યા ૪ હજારને પાર પહોંચી

આણંદ, તા. ૨૭
આણંદ ખેડા જીલ્લામાં કોરોના સંક્રમણ અટકવાનું નામ લેતું નથી. બુધવારે પણ ૪૦ ટકા ઉછાળા સાથે આણંદ જીલ્લામાં ૨૪૫ અને ખેડા જીલ્લામાં ૨૦૦ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે.જે ચિંતાનો વિષય બની ગયો છે. એક્ટીવ દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ૯૦ થી વધુ દર્દીઓ દાખલ છે. હજુ પણ ઠંડીનું જાેર વધુ રહેતા આગામી દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિતોની વધતી સંખ્યાએ ચિંતાજનક પરિસ્થિતિ ઉભી કરી છે. આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી મુજબ કોરોના રોકેટગતિએ આગળ વધી રહ્યો છે. બુધવારે ૨૦૭૭ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં નવા ૨૪૫ કેસ નોંધાયા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ૨૧૫૯ થઈ છે.
મહત્વનું છે કે આણંદ તાલુકામાં સૌથી વધુ ૧૮૩ દર્દી નવા નોંધાયા છે. જ્યારે અંકલાવમાં ૨ ,ખંભાતમાં ૩ ,પેટલાદમાં ૩૨ ,બોરસદમાં ૧૪ , ઉમરેઠમાં ૩ અને તારાપુરમાં ૬ તેમજ સોજીત્રામાં ૨ કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા લગ્ન સમારંભો અને સામાજિક પ્રસંગોમાં નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ વિજય સરઘસ રેલીઓ , જાહેર કાર્યક્રમો અને મીટીંગો યોજી બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે. જાહેર કાર્યક્રમો અને લગ્ન સમારંભોના ઉમંગી માહોલમાં અનેક જગાએ કોવિડ ગાઈડલાઈનની અણદેખી થઈ રહી છે.
જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો ૧૩૭૪૧ સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી ૧૧૫૩૨ ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. અત્યાર સુધી કોરોના કુલ ૭૧૦૨૮૨ ટેસ્ટ થયા છે. હાલ ૨૭ દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૫ અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ ૨૧૦૭ સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.આજે ૧૮૧ દર્દીઓ સાજા થયેલ છે.૮ દર્દી ઓક્સિજન ઉપર ,૩ બાયપેય અને ૨ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૦ નોંધાયો છે.
ખેડા જિલ્લામાં કોરોના રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. બુધવારે વધુ ૨૦૦ કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા વધીને ૭૨૧ પર પહોંચી ચૂકી છે. નડિયાદ સહિત સમગ્ર જિલ્લામાં કોરોના તેની વણથંભી રફતારથી આગળ વધી રહ્યો છે. બુધવારે કોરોનાના વધુ ૨૦૦ કેસો આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયા છે. જેમાં નડિયાદ પંથકમાંથી ૧૪૩, માતરમાંથી ૧૫, મહેમદાવાદમાંથી ૯, કપડવંજમાંથી ૮, ખેડામાંથી ૬, ગળતેશ્વરમાંથી ૬, કઠલાલમાંથી ૫, મહુધામાંથી ૪, વસોમાંથી ૩ અને ઠાસરામાંથી ૧ મળી કુલ ૧૩૬ કેસો નોંધાયા છે. જે બાદ એક્ટિવ કેસોની સંખ્યા ૭૨૧ પર પહોંચી ચૂકી છે.
જ્યારે બુધવારે વધુ ૯૯૦ લોકોના રીઝલ્ટ પેન્ડીંગમાં રખાયા છે. એક્ટિવ કેસોમાં ૬૮૮ વ્યક્તિઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. તો વળી કોરોનાના ૧૦ દર્દીઓ નડિઆદ સિવિલમાં હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જ્યારે ૨૧ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો વળી ખેડા સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં કોરોનાના ૨ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
રસીકરણની વાત કરવામાં આવે તો આજે ૮૯ સેશનમાં યોજાયેલ રસીકરણ અભિયાનમાં ૮૯૨ લોકોએ રસી મૂકાવી છે. સાથે સાથે ૧૫થી ૧૮ વર્ષનાં વય જૂથના રસીકરણમાં ગળતેશ્વર તાલુકામાં ૩૭, કપડવંજ તાલુકામાં ૧૬૧, કઠલાલ તાલુકામાં ૩૮, ખેડા તાલુકામાં ૪૯, મહુધા તાલુકામાં ૧૬, માતર તાલુકામાં ૦, મહેમદાવાદ તાલુકામાં ૦, નડિયાદ તાલુકામાં ૨, ઠાસરા તાલુકામાં ૧૯૪ અને વસો તાલુકામાં ૩ મળી આજે કુલ ૫૦૦ લોકોનું રસીકરણ થયુ છે. આ સાથે ૬૦  વયના કોમોર્બીડીટી ધરાવતા સીટીઝન ૬૦૪, હેલ્થ કેર વર્કર ૯૪ અને ફ્રન્ટ લાઇન વર્કર ૧૦૬ મળી કુલ ૮૦૪ પ્રિકોશન ડોઝની ખેડા જિલ્લામાં સાંજના સાડા પાંચ વાગ્યા સુધી કામગીરી હાથ ધરવામાં આવી હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી છે.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button