એશિયાના સૌથી મોટા ગણતાં ચરોતરના ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સાથે આણંદ,ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખ પશુપાલકો જોડાયેલા છે. અમૂલ દ્વારા કોઇ પણ વસ્તુઓનો ભાવ વધારો કરવા આવે તેની અસર સમગ્ર દેશ સહિત રાજયના પશુપાલકો અને ગ્રાહકો પર પડતી હોય છે. અમૂલ દાણમાં 1 કિલોએ 70 પૈસા નો વધારો કરાયો છે. જેની અસર અન્યદાણ ઉત્પાદકો પર પડશે. જેના કારણે આગામી સપ્તાહમાં અમૂલ સિવાય અન્ય કંપનીના પશુઆહાર પર જોવા મળશે.જેની અસર રાજયના 36 લાખ ઉપરાંત પશુપાલકો પડશે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત કેટલ ફીડ ફેકટરી કંજરી અને કાપડીવાવ ફેકટરીમાં અમૂલ દાણનું ઉત્પાદન થાય છે. હાલના ભાવ 50 કિલોની ગુણનો ભાવ 990 અને 70 કિલોની ગુણનો ભાવ1425 હતો. પરંતુ હાલમાં મટીરિયલના ભાવ વધી ગયા હોવાથી દાણના ભાવમાં કિલોએ 64 થી 70 પૈસાનો વધારો કર્યો છે. આગામી 11મી માર્ચથી અમૂલ દાણની 50 કિલોની ગુણમાં રૂા35 વધારો થતાં હવે તે ગૂણ રૂપિયા 1025માં મળશે. જયારે 70 કિલોની ગૂણમાં રૂપિયા 45નો વધારો થતાં 1470માં મળશે.
ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત અમૂલ દ્વારા 1 લી માર્ચ થી પશુપાલકોને 1.44 પૈસાનો વધારો ચુકવ્યો હતો.તેની સામે રો-મટીરિયલ્સના ભાવ વધારો બતાવીને ગ્રાહકોને વેચવામાં અમૂલ દાણની 70 કિલોની ગુણમાં રૂા 45 ભાવ વધારો અને 50 કિલોની ગૂણમાં 35 રૂપિયાનો વધારો ઝીકીને 1 કિલો દાણે 64થી 70 પૈસાનો વધારો કર્યો છે. જયારે અમૂલના અન્ય પશુહારમાં 10થી 20 પૈસાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. જેના કારણે પશુપાલકોમાં ભારે નારાજગી જોવા મળ રહી છે
ભાવવધારો પરત ખેંચવા ભારતીય કિસાન યુનિયન રજૂઆત કરશે
અમુલ દાણ ની ગુણવત્તા બાબતે અનેકોવખત સવાલ ઉભા થયાં છે ત્યારે પશુપાલન ને વધુ ખર્ચાડ બનાવવું તે દેશ ના બાળકો ના મોં સુધી પહોંચતા દૂધ અધિકાર ને છીનવી લેવા સમાન છે.અમૂલ દાણના ભાવમાં વારંવાર વધારો કરીને પશુપાલકો મુશ્કેલીમાં મુકવામાં આવે છે.ત્યારે ભારતીય કિસાન યુનિયન(અ) દ્વારા ભાવવધારો પરત ખેંચવા માટે રજૂઆત કરાશે.-રવિ પટેલ, પ્રમુખ ભારતીય કિસાન યુનિયન