
ગુજરાત ટાઈટન્સનાં રાહુલ તેવટિયાએ છેલ્લા બે બોલ પર સિક્સ ફટકારી ટીમને શાનદાર જીત અપાવી
મુંબઇ,તા.૯
IPL ૨૦૨૨માં શુક્રવારે ટૂર્નામેન્ટની સૌથી રોમાંચક મેચ રમવામાં આવી. મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે ૧૯૦ રનનો ટાર્ગેટ મૂક્યો હતો અને ટીમને મેચ જીતવા આખરી બે બોલમાં ૧૨ રન જાેઈતા હતા. એટલે કે બે બોલમાં બે સિક્સ ફટકારવાની હતી અને થયુ પણ કઈક એવું જ. રાહુલ તેવટિયાએ આવીને ઝંઝાવતી ઉપરાછાપરી ૨ છગ્ગા લગાવીને ટીમને એક અશક્ય લાગતી જીત અપાવી હતી.
તેવટિયાએ ગુજરાત માટે મેચ જીતવા માટે શાનદાર ઇનિંગ રમ્યા બાદ કહ્યું, ‘જ્યારે તમે આ રીતે જીતો છો ત્યારે ખૂબ જ સારું લાગે છે. મારી પાસે વિચારવા જેવું બહુ નહોતું પરંતુ હું જાણતો હતો કે મારે મેદાનમાં જઈને સિક્સ ફટકારવાની છે. સ્મિથે પ્રથમ બોલ ઓફ-સ્ટમ્પની બહાર ફેંક્યો હતો. એટલા માટે મેં પહેલેથી જ પ્લાન કરી લીધો હતો કે મારે કયો શોટ રમવાનો છે. ડ્રેસિંગ રૂમ ખરેખર ખૂબ જ શાંત છે. આશુભાઈ (નેહરા), ગેરી કર્સ્ટન અને સપોર્ટ સ્ટાફે ખરેખર સારું કામ કર્યું છે. અમને ફક્ત યોજનાઓને સારી રીતે અમલમાં મૂકવા અને તેને સારી રીતે બેકઅપ કરવા માટે કહેવામાં આવ્યું છે.
આ સિઝનમાં ગુજરાતની ૩ મેચમાં સતત ત્રીજી જીત છે અને ટીમ હાલમાં ૬ પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાન પર છે. ગુજરાતની જીતમાં તેવટિયાના સિક્સર ઉપરાંત શુભમન ગિલે પણ ૯૬ રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પહેલા ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સે ૯ વિકેટે ૧૮૯ રન બનાવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન ૬૪ રન સાથે સૌથી વધુ રન સ્કોરર રહ્યો હતો. તે જ સમયે શિખર ધવને ૩૫ રન બનાવ્યા હતા. ય્ તરફથી રાશિદ ખાને ૩ વિકેટ લીધી હતી.