નડિયાદમાં બેકાબૂ એસટી બસ સરદાર ભવન પાસે આવેલ ગાંધીજીની પ્રતિમા ફરતેની રેલિંગમાં ઘુસી ગઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. પરંતુ એસટી બસ તથા સર્કલને ફરતે આવેલી રેલિંગોને નુકસાન થયું હતું. સદભાગ્યે ST બસના ચાલક સહિત મુસાફરોનો આબાદ બચાવ થઇ ગયો છે.
ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં સરદાર ભવન નજીક આવેલી ગાંધીજીની પ્રતિમા પાસેથી આજે ગુરૂવારે વહેલી સવારે પસાર થઇ રહેલી થરાદથી વડોદરા તરફ જતી એક્સપ્રેસ એસટી બસ નં. (GJ 18 Z 1604) આ પ્રતિમાના ફરતે આવેલી રેલિંગોમાં ઘૂસી ગઈ હતી. મિશન ઓવરબ્રિજના સરદાર ભવન તરફના ઉતરવાના છેડા તરફથી આવેલી બેકાબૂ એસટી બસ અહીંયા એકાએક ઘૂસી ગઈ હતી.
આ બનાવમાં ગાંધીજીની પ્રતિમાને કોઈ નુકસાન થયું નહોતું. પરંતુ પ્રતિમાના ફરતે આવેલી રેલિંગો તથા લોખંડની બનાવેલી સીડીનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઉપરાંત એસટી બસના આગળના કાચ પણ સંપૂર્ણ તૂટી ગયો હતો અને બસના આગળના ભાગે નુકસાન પણ થયું હતું. આ દુર્ઘટનામાં ST બસના ચાલક સહિત મુસાફરોને કોઈ જાનહાનિ સર્જાઇ નહોતી. તાત્કાલિક અન્ય બસ મારફતે મુસાફરોને અહીંયાથી રવાના કરાયા હતા.
નોંધનીય છે કે વર્ષ 2021માં પ્રતિકાત્મક નીકળેલી દાંડીયાત્રા સમયે જ આ પ્રતિમાના ફરતે તાત્કાલિક ધોરણે રીનોવેશન કરાયું હતું. આ સમયે મુખ્યમંત્રી આવવાના હોવાથી યુદ્ધના ધોરણે આ પ્રતિમા પાસે રંગરોગાન કરાવવામાં આવ્યું હતું. આ પહેલા પણ આ પ્રતિમા પાસે વાહનો અથડાવાના બનાવો બન્યાં છે. અકસ્માત બાદ પાલિકા તંત્ર નિરસતા દાખવે છે અને લાંબા સમય બાદ કોઈ નેતા આવવાના હોય ત્યારે અથવા તો ગાંધી જયંતિએ પ્રતિમાને રંગરોગાન કરવાનો વિચાર આવે છે. ત્યારે જોવું રહ્યું કે આ દુર્ઘટના બાદ કેટલા દિવસોમાં પાલિકા તંત્ર પ્રતિમા ફરતે નવી રેલિંગ નાખશે.