
નડિયાદ તાલુકાના ડભાણ ગામે વડતાલ તાબાના સ્વામિનારાયણ મંદિરમા 135મો વાર્ષિક પાટોત્સવ ખૂબજ ધામધુમ પુર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મહોત્સવ અંતર્ગત આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે નૂતન ગૌશાળા તથા નૂતન સુવર્ણ સિંહાસન અને ધ્વજદંડ નું ઉદ્ઘાટન કરાયું હતું.
નડિયાદ પાસેના ડભાણ ગામે સ્વામિનારાયણ મંદિરમાં બિરાજતા લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ સહિત આદિ દેવોનો 135મો વાર્ષિક પાટોત્સવ ખુબજ ધામધુમ પુર્વક ઉજવાયો હતો. આ પ્રસંગે દેવોને અભિષેક અન્નકૂટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવ અંતર્ગત રવિવારે સવારે વડતાલ લક્ષ્મીનારાયણ દેવ, આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે નૂતન ગૌશાળા, નૂતન સુવર્ણ સિંહાસન તથા હનુમાનજી તથા ગણપતિદાદાના ધ્વજદંડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સત્સંગ મહાસભાના પ્રમુખ શાસ્ત્રી નૌતમ પ્રકાશદાસજી સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત્વલ્લભદાસજી સ્વામી સહિત સંપ્રદાયના સંતો મહંતો તથા હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડો.સંત સ્વામીએ ડભાણ મહિમાની કથા વર્ણવી હતી. જ્યારે નૌતમ સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. સાથે સાથે આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજે ઉપસ્થિત હરિભક્તોને આશિર્વચન પાઠવ્યા હતા અને મંદિરના કોઠારી બળદેવ સ્વામીને કર્મનિષ્ઠ સંતનું બિરુદ આપીને તેમનું અભિવાદન કર્યું હતું.