કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાન અને ઓફિસ સહિત સાત ઠેકાણા પર સીબીઆઈના દરોડા
વિદેશથી મોટાપાયે નાણાં મેળવવાના એક કેસ અંતર્ગત કાર્યવાહી, આ પહેલા પણ અનેક દરોડા પડ્યા છે, કાર્તિનુ ટ્વીટ

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ ના પુત્ર કાર્તિ ચિદમ્બરમના નિવાસસ્થાન અને ઓફિસો સહિત કુલ સાત જેટલા સ્થળો પર આજે સવારથી સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તમિલનાડુ મુંબઈ તેમજ દિલ્હી ખાતેની કચેરીઓ અને નિવાસસ્થાનો પર દરોડા પાડવામાં આવ્યા છે.
સત્તાવાર અહેવાલોમાં જણાવ્યા મુજબ વિદેશથી મોટાપાયે નાણાં મેળવવા અંગેના એક કેસ અંતર્ગત સીબીઆઈ દ્વારા સવારથી દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ કાર્તિ ચિદમ્બરમ દ્વારા ટ્વીટ કરીને એમ જણાવવામાં આવ્યું હતું કે મને પણ ખબર નથી કે કેટલા દરોડા પડી ગયા છે. આ પહેલાં પણ ઘણા દરોડા પાડયા છે.
સીબીઆઈના અધિકારીઓ ની ટુકડીઓ આજે મુંબઇ દિલ્હી અને તામિલનાડુમાં પહોંચી ગઈ હતી અને પી.ચિદમ્બરમ ના ઘરે પણ સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે.
વિદેશમાં મોટા પાયે નાણાકીય વ્યવહાર કરવામાં આવ્યો છે અને એવો આરોપ પણ મૂકવામાં આવ્યો છે કે વિદેશથી બિનહિસાબી નાણા એકત્ર કરવામાં આવ્યા છે અને આ કેસ જૂનો છે અને નવી બાતમીના આધારે સીબીઆઈ દ્વારા દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
કાર્તિ પર આરોપ મુકવામાં આવ્યો છે તે ૨૦૧૦થી 2014 ની વચ્ચે તેણે મોટા પાયે વિદેશથી જંગી રકમ મેળવી છે અને તેનો કોઈ હિસાબ કિતાબ રહ્યો નથી અને આ બારામાં આગળની કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવી છે.