
બોરસદ તાલુકાના અભેટાપુરા ગામની સીમના તળાવમાંથી ગત શનિવારે એક શિવલીંગ આકાર જેવો સ્તંભ મળ્યો હતો. જેને જોઇને આસપાસના લોકો શિવલિંગ મળ્યુ હોવાનું જાણીને મોટી સંખ્યામાં જોવા લોકોની ભીડ ઉમટી હતી. જો કે આ સ્તંભ મળવા બાબતે તપાસ કરાશે. આજે ભૂસ્તર શાસ્ત્રીઓ અને પુરાતત્વ વિભાગ ઘટના સ્થળની મુલાકાત લેશે અને આ સ્થંભ છે કે અન્ય કંઇ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપશે.
શનિવારે બોરસદ તાલુકામાં અભેટાપુરાના તળાવમાં ખોદકામ દરમિયાન શિવલિંગ જેવી આકૃતિ મળી આવી હતી. ગામમાં રેલવે કોરીડોર માટે કામગીરી કરવામાં આવી રહી હતી. તે માટે અભેટાપુરાના તળાવમાં આશરે 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કરવામાં આવ્યું હતુ. ખોદકામ દરમિયાન એક બાજુ વૃક્ષના થડિયા જેવો આકાર જોવા મળ્યો હતો. લોકોએ પહેલા તેને વૃક્ષનુ મોટુ થડ સમજી લીધુ હતું. ત્યારબાદ બે દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડતા સ્થંભ જેવી દેખાઈ રહેલી કૃતિ પરથી પાણી વહેતા શિવલિંગ જેવી કૃતિ જેવો આકાર જોવા મળ્યો હતો. જેથી લોકોમાં પણ કૂતુહલ જાગ્યું હતુ.
આ વાતની જાણ આજુબાજુના ગામોમાં વાયુવેગે ફરી વળતાં લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં અને સ્તંભ આકારના પથ્થરને શિવલિંગ માની દર્શન કરી રહ્યાં છે. હાલ તો આજુબાજુ ગામના લોકો પણ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા ઉમટી રહ્યાં છે. ત્યારે હવે સોમવારે ભૂસ્તર શાસ્ત્રીઓ ઘટના સ્થળની મુલાકાત લેશે અને આ સ્થંભ છે કે અન્ય કંઇ તે અંગે તપાસ કરી રિપોર્ટ આપશે. રિપોર્ટ આવશે ત્યારબાદ જ નક્કર વિગતો બહાર આવશે.
હાલ મોટી સંખ્યામાં લોકો અહી દર્શન કરવા આવી રહ્યાં છે. લોકો આ સ્તંભને આસ્થા સાથે જોડી રહ્યા છે. આ બાબત ભૂસ્તર શાસ્ત્રીઓની હોવાથી તે અંગે વિભાગ દ્વારા રિપોર્ટ બનાવવામાં આવશે. પછી જ આ રહસ્ય પરથી પડદો ઉકલાશે કે આ ખરેખર શું છે?