આણંદ

ચરોતરના ખેડૂતોમાં ખુશીની લહેરઃ વરસાદ ખેંચાતા સિંચાઈ વિભાગ 23 જૂનથી નહેરમાં પાણી છોડશે

ખેડા-આણંદ જીલ્લાના ખેડૂતો વરસાદની વાટ જોઈને બેઠા છે પણ હજુ સુધી ખેતીલાકયક વરસાદ વરસ્યો નથી. જેથી છૂટાછવાયા પડતાં વરસાદને કારણે ખેડૂતો પણ વ્યાકુળ બન્યા છે. ચોમાસુ પાકની વાવણીનો સમય પસાર થઈ રહ્યો છે. જો સમયસર વાવણી ન કરાઈ તો પાકના ઉતારાને પણ અસર થશે. જેથી સરકારે ખેડૂતોની કથળતી સ્થિતિને જોઈને 23 જૂનથી નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે. જેનો લાભ ચરોતરના 1.35 લાખ ખેડૂતોને મળશે હજુ વરસાદના ઠેકાણાં નથી, ત્યારે સિંચાઇના આ પાણી ખરીફ પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આશરે ત્રણ અઠવાડિયા સુધી વણાકબોરી ડેમમાંથી પાણી આપ્યા પછી પણ વરસાદ ખેંચાશે તો પછી નર્મદાના ડેમમાંથી પાણી આપવાનું આયોજન કરવામાં આવશે.
આણંદ અને ખેડા જિલ્લામાં મળીને ચોમાસાની શરૂઆતમાં જ અંદાજે 5 હજાર હેકટરથી પણ વધુ વિસ્તારમાં વિવિધ પાકોનું વાવેતર થઈ ચૂકયું છે. જૂન માસના અંત સુધીમાં લગભગ 15 હજાર હેક્ટર ઉપરાંત વાવેતર થવાની ધારણા છે ત્યારે ખરીફ સીઝનમાં વિવિધ પાક માટે પાણીની જરૂરિયાત વર્તાશે. આણંદ અને ખેડા જિલ્લામાં અત્યાર સુધીમાં મળીને 5,000 હેક્ટર ઉપરાંત જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર થઈ ચૂકયું છે, અને આગામી દિવસોમાં હજુ પણ ઉત્તરોત્તર વાવેતર વધવાનું છે, જેની સામે અત્યારે વરસાદના કોઈ ઠેકાણા નથી ત્યારે ચરોતરના ખેડૂતો માટે અત્યારે તો એકમાત્ર નહેરો મારફતે પાણીનો વિકલ્પ બચ્યો છે. આ સ્થિતિ વચ્ચે હવે તા. 23જૂનથી નહેરોમાં પાણી છોડવામાં આવશે. મુખ્ય નહેરો ઉપરાંત માઇનોર નહેરોમાં પણ પાણી છોડવાના હોવાથી ખેડૂતો ખરીફ પાક માટે તેનો લાભ મળશે, ઉપરાંત ઉનાળું વાવેતરના કાપણી થયા વિનાના કેટલાક ખેતી પાકોને પણ તેનો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે વરસાદ ખેંચાવા લાગ્યો છે અને ખેડૂતો દ્વારા પાણીની માગણી કરવામાં આવી રહી છે, ત્યારે પાણી છોડવાનો નિર્ણય લેવાતાં ખરીફ પાકને લાભ થશે, તો કાપણી વિનાના ઉનાળું પાક માટે પણ તે આશીર્વાદરૂપ સાબિત થશે.
આકાશમાં વાદળાં તો દેખાય છે, પરંતુ ચરોતરમાં કોઈ જગ્યાએ મન મૂકીને મેવલિયો વરસ્યો નથી. આ સંજોગોમાં વરસાદ ખેંચાય અને વણાકબોરી તેમજ કડાણા ડેમમાં જળસપાટી ઘટી જાય તો તેવા સંજોગોમાં ત્રણેક અઠવાડિયા બાદ નર્મદાની નહેરોમાંથી પાણી આપવાનું આયોજન વિચારવામાં આયુ છે. ખેતી અગાઉ માનવ વસ્તીને પીવાના પાણી મળે તેને અગ્રતા આપવામાં આવશે. હાલમાં વણાકબોરી ડેમમાં 218 ફૂટ જેટલું પાણી છે. જ્યારે કડાણા ડેમમાં 386.30 ફૂટ જેટલુ પાણી સંગ્રહાયેલું છે. તેથી આ ડેમમાંથી હાલ પાણી સપ્લાય કરી શકાય એમ છે. ચાલુ વર્ષે એકંદરે સારો વરસાદ હોવાથી થોડા દિવસો બાદ વરસાદ પડે તેવી આશા લોકો સેવી રહ્યા છે.

Advertisement
Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

Back to top button