ખંભાત પોલીસની અનોખી પહેલ: શિક્ષિત બેરોજગારોને યોગ્ય દિશા અને સચોટ માર્ગદર્શન મળે તે હેતુથી સેમિનારનું આયોજન કરાયું

ધોરણ 12 અને ગ્રેજ્યુએશન બાદ કેટલાક શિક્ષિત યુવક-યુવતીઓને સચોટ માર્ગદર્શનના અભાવે લાયકાત મુજબ નોકરી પ્રાપ્ત થતી નથી. જેને લઇ બેરોજગારોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. કેટલાક યુવાનોને નોકરી નહીં મળવાને કારણે ખોટા રસ્તે ખોટી બદીઓ તરફ ધકેલાઈ છે, અને અસમાજિક પ્રવૃત્તિઓ તરફ વળે છે. જેને લઇ ગુનાઓની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જે માટે ખંભાત પોલીસ દ્વારા અનોખી પહેલ કરી શિક્ષિત બેરોજગારોને યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશા મળે તેમજ તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરે તે હેતુસર જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યણના માર્ગદર્શન હેઠળ એ.એસ.પી. અભિષેક ગુપ્તા તથા શહેર પી.આઇ આર. એન. ખાટના સંયુક્ત પ્રયાસોથી સ્પર્ધાત્મક પરીક્ષા માટે નિઃશુલ્ક ક્લાસીસ નો આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત આજ રોજ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના હોલમાં માર્ગદર્શન સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખંભાત તાલુકા સહિત શહેરના યુવક-યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા, અને પોતાની શૈક્ષણિક લાયકાત મુજબ તેઓ કઈ પરીક્ષા આપવાની લાયકાત ધરાવે છે તે અનુસાર તેઓએ રજીસ્ટ્રેશન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કર્યું હતું.
આ અંગે એએસપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે ખંભાત તાલુકા સહિત શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે કોઈ ચોક્કસ સ્થળ નથી. આ ઉપરાંત શિક્ષિત બેરોજગારોને અભ્યાસ બાદ કઈ લાઈનની પસંદગી કરવી તે બાબતે કોઈ માર્ગદર્શન પ્રાપ્ત થતું નથી. જેને લઇ તાલુકા સહિત શહેરમાં બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. શિક્ષિત યુવાનો ખોટી પ્રવૃત્તિઓ સાથે સંકળાય અને ગુનાઓ આચરે છે. જેથી યુવા વર્ગને સચોટ માર્ગદર્શન મળી રહે તે હેતુથી માર્ગદર્શન સેમિનારનું આયોજન હાથ ધરાયું છે.
આ સેમિનારમાં શહેર પી.આઇ. આર.એન.ખાંટે જણાવ્યું હતું કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના વર્ગો આગામી સમયમાં ખંભાત પોલીસ દ્વારા નિઃશુલ્ક શરૂ કરાશે. અમારો મુખ્ય હેતુ ખંભાત તાલુકા સહિત શહેરના વધુમાં વધુ શિક્ષિત યુવક-યુવતીઓ આ ક્લાસીસમાં જોડાઈ અને વર્ગ -૧ , વર્ગ- ૨ વર્ગ -૩ માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી નોકરી મેળવી યોગ્ય સ્થાન પ્રાપ્ત કરે અને આણંદ જિલ્લા સહિત ખંભાત શહેરનું નામ રોશન કરે.