
જુનિયર ક્લાર્ક પેપરકાંડનો મુદ્દો દેશભરમાં ગાજી રહ્યો છે. આ મામલે ATS એ સંડોવાયેલ 16 આરોપીઓને દબોચી લીધા બાદ આરોપીઓ સામે કલમ 406, 409, 420 અને 120-બી મુજબ ગુનો નોંધાયો છે. વધુમાં આ પ્રકરણમાં હજુ પણ 4 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ધાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર હોવાથી ATSએ તમામને દબોચી લેવા તપાસના ચક્રો ગતિમાન થયા છે. આ મામલે નવા નવા ધડાકા થઈ રહ્યા છે. રાજ્યમાં સતત બની રહેલી પેપર લીકની ઘટનાઓની ગંભીરતાને ધ્યાને લઈને ગુજરાત સરકાર આવતા બજેટમાં એક વિધેયક લાવી કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે.
ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવાની તૈયારી કરી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ કાયદામાં આવનારી જોગવાઈ અનુસાર પેપર લીક કરનારા લોકોને સાત કે તેનાથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવશે. તો ખરીદનારને પણ ત્રણ વર્ષની સજા થશે. આ ઉપરાંત પેપર ખરીદનાર પર કાયમી ભરતી પર પ્રતિબંધ મુકાશે અને ભરતી પરીક્ષાના મોનિટરિંગ માટે IAS-IPS પણ નિમાશે.
પેપર લીક કરનારાઓ સામે ગુનાહિત કાવતરાં રચવાની કલમ આ નવા કાયદા દ્વારા દાખલ કરાશે. આથી ગુનો બિનજામીનપાત્ર અને કોગ્નિઝિબલ બનશે. રાજ્ય સરકાર આ કેસ ચલાવવા માટે ફાસ્ટટ્રેક કોર્ટની રચના પણ કરશે.
મહત્વનું છે કે, ગત રવિવારના રોજ લેવાનારી જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ પરીક્ષા મોકૂફ રખાતા પરીક્ષાર્થીઓ દ્વારા ઠેર-ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. બસ સ્ટેશન, હાઈવે, પરીક્ષા કેન્દ્રો પર ચક્કાજામ કરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે બાદ ગુજરાત એટીએસએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ પેપર લીક કાંડમાં અન્ય રાજ્યોના લોકોની સંડોવણી બહાર આવતા ATSની વિવિધ ટીમો બિહાર, દિલ્હી, તેલંગણા, ઉત્તર પ્રદેશ જવા રવાના થઈ હતી અને આરોપીઓની કરવામાં ધરપકડ કરવામાં આવી હતી.
પેપર કાંડની સમગ્ર ચેઇનની વાત કરવામાં આવે તો પરીક્ષાના 20 દિવસ પહેલા કાવતરું રચ્યું હતું. જેમાં કે.એલ.હાઇટેક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતા શ્રદ્ધાકર લુહાણાએ આરોપીઓને પેપર આપ્યું હતું. જેના બદલામાં આરોપી પ્રદીપકુમારે શ્રદ્ધાકરને રૂ.7 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હોવાનું બહાર આવ્યું છે. વધુમાં પ્રદીપકુમારે મોરારી પાસવાન, નરેશ મોહંતીને 5-5 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું.
ત્યારબાદ આરોપી મોરારી પાસવાને કમલેશને રૂ.6 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. તેમજ કમલેશએ મહંમદ ફિરોઝને રૂ.7 લાખમાં પેપર વેંચવાનું નક્કી કર્યાનો પણ ધડાકો થયો છે. વધુમાં આરોપી મહંમદ ફિરોઝ સર્વેશને રૂ.8 લાખમાં પેપર વેચવાનું અને સર્વેશે પ્રભાત કુમાર, મુકેશ, મિન્ટુએ રૂ.9 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું.
તો મિન્ટુ કુમારે આ પેપર ભાસ્કર ચૌધરીને રૂ.10 લાખમાં અને ભાસ્કર ચૌધરીએ કેતન બારોટ, રાજ બારોટ, અનિકેત ભટ્ટ, ચિરાયુ અને ઇમરાનને રૂ.11 લાખમાં પેપર વેચવાનું નક્કી કર્યું હતું. સાથે સાથે કેતન, અનિકેત ભટ્ટ, રાજ બારોટ, હાર્દિક શર્મા, પ્રણય શર્માએ તેમના ઓળખીતાઓને રૂ.12 લાખમાં પેપર પહોંચાડી કાળી કમાણી કરવા કારસ્તાન ગોઠવ્યું હોવાનો ધડાકો થયો છે.
આ ઉપરાંત પેપરલીક કાંડના આરોપી ભાસ્કર ચૌધરી મામલે પણ ખુલાસો થયો છે. જેમાં આરોપી ભાસ્કર ચૌધરી પોતાને શિક્ષણ ક્ષેત્રમાં નંબર વન એક્સપર્ટ ગણાવતો હતો. એટલું ઇ નહિ તે ક્લાસીસ ચલાવતો જેમાં JEE સહિતની પરીક્ષાઓ પણ લેવાતી હતી. ભાસ્કર ચૌધરીનું દિલ્લીમાં પણ એક ક્લાસીસ આવેલું છે.
દિલ્હીથી પણ અન્ય રાજ્યમાં એડમિશન અપાવતો હતો. તેમજ ગુજરાત બહાર મેડિકલ-એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને એડમિશન પણ અપાવતો હતો. સાથે કોલેજો-યુનિવર્સિટીઓમાં એડમિશન અપાવવા માટે કન્સલ્ટિંગનું પણ કામ કરતો હતો. જાણવા મળતી વિગત અનુસાર છેલ્લા 10 વર્ષમાં 90 હજારથી વધુ વિદ્યાર્થીઓના એડમિશન અપાવ્યાનો દાવો કરતો હતો.