
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કાશ્મીરી પંડિતોની સમસ્યાઓને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો હતો. એ પત્રમાં એમને લખ્યું છે કે તેઓ પ્રધાનમંત્રીનું ધ્યાન કાશ્મીરમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિત સમુદાયની વેદના તરફ દોરવા માંગે છે.
રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ખુલ્લો પત્ર લખ્યો હતો અને એ પત્રને ટ્વીટ કરતાં એમને કહ્યું કે, પ્રધાનમંત્રી ભારત જોડો યાત્રા દરમિયાન કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મને મળ્યું હતું અને તેમની દુઃખદ સ્થિતિ વિશે એમને મને જણાવ્યું હતું. આતંકવાદીઓ દ્વારા ટાર્ગેટેડ કિલિંગનો ભોગ બનેલા કાશ્મીરી પંડિતોને કોઈપણ સુરક્ષા ગેરંટી વિના ફરી ઘાટીમાં જવા માટે દબાણ કરવું એ ક્રૂર પગલું છે. આશા છે કે આ બાબતે તમે યોગ્ય પગલાં ભરશો.
આ સાથે જ આ પત્રમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીજી સમગ્ર ભારતને પ્રેમ અને એકતાના સૂત્રમાં જોડવા માટે ભારત જોડો યાત્રાના જમ્મુ તબક્કે કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ તેમની સમસ્યાઓને લઈને મને મળ્યા હતા અને એ સમયે એમને મને કહ્યું કે સરકારી અધિકારીઓ તેને કાશ્મીર ઘાટીમાં કામ પર પાછા જવા માટે દબાણ કરી રહ્યા છે અને આ સંજોગોમાં સુરક્ષા અને સલામતીની કોઈ ખાતરી વિના તેમને ઘાટીમાં કામ પર જવાની ફરજ પાડવી એ એક ક્રૂર પગલું છે. જ્યાં સુધી સ્થિતિ સુધરે અને સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર આ કાશ્મીરી પંડિત કર્મચારીઓ પાસેથી અન્ય વહીવટી અને જાહેર કાર્યોમાં સેવાઓ લઈ શકે છે.
આગળ રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, ‘પોતાની સુરક્ષા અને પરિવારની ચિંતાઓ માટે આજીજી કરી રહેલ કાશ્મીરી પંડિતો આજે પણ સરકાર પાસેથી સહાનુભૂતિ અને સ્નેહની અપેક્ષા રાખી રહ્યા છે પણ એ જ સમયે ઉપરાજ્યપાલ માટે તેમના માટે ભિખારી જેવા શબ્દોનો ઉપયોગ કરવો બેજવાબદાર છે. પ્રધાનમંત્રીજી તમે કદાચ સ્થાનિક પ્રશાસનની આ અસંવેદનશીલ શૈલીથી પરિચિત નહીં હોવ.’
તેમણે કહ્યું કે મેં કાશ્મીરી પંડિત ભાઈઓ અને બહેનોને આશ્વાસન આપ્યું છે કે હું તેમની ચિંતાઓ અને માંગણીઓ તમારા સુધી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ. મને આશા છે કે આ માહિતી મળ્યા બાદ આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે.