
આણંદ શહેરમાં ચોખ્ખુચણાંક રાખવા માટે નગરપાલિકા સેન્ટરી વિભાગ ધમપછાડા કરી રહ્યું છે. ત્યારે પાલિકાની સામાન્ય બજેટમાં કરોડો રૂપિયા સાફ સફાઇ પાછળ ખર્ચ કરવા છતાં શહેરના જુના બસ સ્ટેશન થી ધર્મેશ્વર મંદિર તરફ પસાર થતાં ઘનકચરાનું ફેલાય જતું હોય છે. જેના કારણે દુકાનદારો સહિત આજુબાજુ વિસ્તારના રહીશોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમજ સતતરહેતી ગંદકીના કારણે ભારે દુર્ગધ મારતી હોય છે. જીવાતો ઉપદ્વવ વધી જતાં રોગચાળાની દહેશત વર્તાઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા શહેરોમાં સાફસફાઇ જળવાઇ રહે તેવા હેતુથી સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન હાથ ધરવામાં આવે છે. જે મુજબ સ્વચ્છતા જાળવનાર પાલિકાનો ક્રમ આપીને ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ આણંદ નગરપાલિકાના સફાઇ કામદારો અને કોન્ટ્રાકટના કર્મીઓ માત્ર દેખાડા પુરતી સાફસફાઇ કરતાં હોય તેમ આણંદ રેલવે સ્ટેશનથી જૂના બસ સ્ટેશન થઇને ધર્મેશ્વર મહાદેવ મંદિર તરફ પસાર થતાં માર્ગ પર બારે માસ ઘનકચરાનું સામ્રાજય જોવા મળે છે.તેમજ વારંવાર ગટર ઉભરવા બનાવો બંને છે.
આથી વાહનચાલકો અને રાહદારી આ માર્ગ પર પસાર થવાને બદલે જૂના દાદર થઇને અવરજવર કરવાની ફરજ પડે છે. આથી આણંદ નગરપાલિકાના સેન્ટરી વિભાગના ઇન્સ્પેકટર ઓફિસમાં બેસી રહેવાને બદલે કાયમી ધોરણે નિરાકરણ લાવવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ ઉઠી છે.