
આણંદની વિદ્યાનગરીમાં વિદ્યાનગરમાં હવે ગુનાહિત પ્રવૃત્તિ અને અમામાજિકતા વધી રહ્યા છે.વિદ્યાનગરની શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાધામની શાખ જળવાઈ રહે અને ગુનાહિત માનસિકતા ધરાવતા તત્વો અને વિદ્યાનગરમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી રાત્રીના 11 વાગ્યાના સમય સુધી તમામ દુકાનો બંધ કરી દેવા હુકમ કર્યો હતો.પરંતુ કલેકટરના આ જાહેરનામાંની કોઈ જ અસર વિદ્યાનગરના રાત્રી ખાણી પીણી બજારમાં જોવા મળી નહોતી. વિદ્યાનગરમાં અનેક જગાએ ચા ,કોફી નાસ્તાના રેસ્ટોરન્ટ ,જ્યુસ સેન્ટરો અને પાનના ગલ્લા આખી રાત ધમધમતા રહ્યા હતા.
વિદ્યાનગરમાં દેશ વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે.અહીં હોટેલ ,હોસ્ટેલ અને રેસ્ટોરન્ટનો વ્યવસાય પણ ખૂબ વિકસ્યો છે.વળી ભારતભરમાંથી વિવિધ સ્વભાવ અને રેહેણીકરણીવાળા વિદ્યાર્થીઓમાં કેટલાક કારકિર્દી અને ઉજળા ભવિષ્યની કામનાએ ગંભીર જવાબદારી પૂર્વક અભ્યાસ કરતા હોય તો કેટલાક બેજવાબદાર વર્ણતુક ને લઈને બદનામ થતા હોય છે.અહીં છેલ્લા કેટલાક મહિનાઓમાં વિદ્યાર્થીના વ્યસનથી લઈ મારામારી અને લૂંટ સુધીની ઘટનાઓ બનવા પામી છે.
જોકે મહત્વની બાબત એ છે કે પોલીસ વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે નહિ તેથી નાની નાની બાબતોમાં આંખ આડા કાન કરતી આવી છે પરંતુ હવે પોલીસની તે ઉદારતાને કારણે ગુનાહિત અને વ્યસની માનસિકતાવાળા વિદ્યાર્થીઓ બેફામ રહ્યા છે. તો બીજી તરફ નશાના વેપારીઓ અને પેડલરો પણ બેરોકટોક ધંધો વિકસાવી રહ્યા છે.વળી સઘળો વેપાર અને જાહેર ઐયાશી રાત્રીના સમયે વધુ ફૂલીફાલી રહી હોવાનું પ્રદર્શિત થઈ રહયુ છે.
વિદ્યાનગરને બદનામ કરતી પ્રવૃત્તિઓને અંકુશ કરવા અને કાયદાનું અનુશાસન વ્યવસ્થિત કરવા નગરપાલિકા દ્વારા રાત્રીના સમયે મુખ્ય બજારો તેમજ ખાણીપીણીની દુકાનો બંધ કરવી જરૂરી હોય આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કેતકી વ્યાસે એક જાહેરનામા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ વલ્લભ વિદ્યાનગર નગરપાલિકામાં રાત્રિના 11-00 વાગ્યા પછી મુખ્ય બજારો તેમજ પાણીની દુકાનો બંધ કરવા હુકમ ફરમાવેલ હતો.પરંતુ ક્યાંય આ જાહેરનામા હુકમની અમલવારી જણાઈ નહોતી.રાત્રી બજારની દુકાનો ,રેસ્ટોરન્ટ પૂર્વવત જ ધમધમતી નજરે ચઢી હતી.વિદ્યાર્થીઓના ટોળા પણ બિન્દાસ અહીં મોજ કરતા જોવા મળ્યા હતા.જોકે આજે જોવાનું રહેશે કે જિલ્લા વહીવટી તંત્ર આ હુકમની ગંભીરતાથી કેવી રીતે અમલવારી કરાવે છે..!!