
નડિયાદમાં સુપ્રસિદ્ધ સંતરામ મંદિરના લોક મેળાનો આજથી રંગેચંગે પ્રારંભ થયો છે. મંદિર પરિસર સહિત મુખ્ય રોડ પર પાથરણાવાળા સહિત અન્ય લોકોએ અંડીગો જમાવી દીધો છે. આવતીકાલે સમી સાંજે મંદિર પરિસરમાં ‘જય મહારાજ’ના નાદ સાથે દિવ્ય સાકરવર્ષા થશે.
નડિયાદમાં સંતરામ મંદિરમાં શ્રી સંતરામ મહારાજશ્રીનો 192મો સમાધિ મહોત્સવ ધામધૂમ અને ભકિતભાવ પૂર્વક ઉજવાઈ રહ્યો છે. પરંપરાના ભાગરૂપે દર વર્ષે માહપૂર્ણીમાના અવસરે દિવ્ય સાકરવર્ષા પ્રતિકરૂપ કરવામાં આવે છે. મહાસુદ પૂનમે મંદિરના પરિસરમાં ઢળતી સંધ્યાએ પૂ. મહારાજના હસ્તે ઉતારવામાં આવતી દિવ્ય મહાઆરતીના દર્શન કરવા શહેર સહિત સમગ્ર જિલ્લાના ભાવિક ભકતજનો ઉમટી પડે છે. આરતીબાદ જય મહારાજના ગગનભેદી નાદ સાથે મહારાજશ્રી તથા અન્ય શાખા મંદિરના મહંતોના હસ્તે દિવ્ય સાકરવર્ષા મહોત્સવ ઉજવાય છે. મહાપૂર્ણિમાના દિવસે વહેલી સવારે 4:30 કલાકે ધ્યાન, તિલક દર્શન 4:45 કલાકે એ બાદ મંગળા દર્શન સવારે 5:45 કલાકે અને સાંજે 6 વાગ્યે દિવ્ય સાકરવર્ષા કરવામાં આવશે.દિવ્ય અખંડ જ્યોત અને પાદુકાના દર્શન સવારે 5:45થી રાત્રે 8 વાગ્યા સુધી કરી શકાશે. લગભગ 1500 કીલો સાકર અને 500 કીલો કોપરાની ઉછામણી કરવામાં આવશે.
સંતરામ લોક મેળાનો આજથી પ્રારંભ થયો છે. નડિયાદ શહેરના બસ સ્ટેન્ડથી પારસ સર્કલ સુધીનો લગભગ 1કીમી ઉપરાંતના રોડ પર આ લોકમેળો ગોઠવાયો છે. પાથરણાવાળાઓએ બંન્ને બાજુ રોડ પર બેસી ગયા છે. તો વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને લારીઓએ આકર્ષણ જમાવ્યું છે. આ સાથે સાથે નાના બાળકોથી માંડીને મોટેરાઓ માટેની વિવિધ રાઈડ્સ પણ આવી ચૂકી છે. આ મેળો આગામી 4 દિવસ રહેશે. છેલ્લા 3 વર્ષના કોરોનાના કારણે મેળાની રંગત ન જામતા આ વર્ષે 5 દિવસ રસ્તો બંધ રાખવાનુ જાહેરનામું તંત્ર એ બહાર પાડ્યું છે.
આ લોકમેળામાં 1 ડીવાયએસપી, 5 પીઆઈ, 24 પીએસઆઇ, 256 કોન્સ્ટેબલ, 45 મહિલા, 250 હોમગાર્ડનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.