H3N2નો પ્રકોપ વધતાં પહેલું મોટું પગલું, આ રાજ્યમાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ, વધી ચિંતા
દેશમાં વકરવા લાગ્યો H3N2 વાયરસ: પાંડેચેરી સરકારે અગમચેતી રાખી કેસ વધતાં 1 થી 8માં ધોરણની સ્કૂલો બંધ કરી

દેશ કોરોના વાયરસથી બહાર આવી રહ્યો છે કે આ દરમિયાન H3N2 નામનો નવો વાયરસ ત્રાટક્યો છે. ઘણા રાજ્યોમાં H3N2ના કેસ વધી રહ્યાં છે આથી રાજ્ય સરકારોએ બચવા માટે જરૂરી પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. આરોગ્ય વિભાગે હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં એક રાજ્ય સરકારે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પુડુચેરીના શિક્ષણ પ્રધાન નમાસિવમે H3N2 વાયરસ અને ફ્લૂના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને શાળાઓમાં રજા જાહેર કરી છે. પુડુચેરીની શાળાઓ 16 માર્ચથી 26 માર્ચ સુધી બંધ રહેશે. હાલ ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. બાકીના વર્ગો તેમના નિર્ધારિત સમય મુજબ ચાલુ રહેશે.
પુડુચેરીમાં H3N2 ઈન્ફ્લુએન્ઝાના 79 કેસ નોંધાયા છે. જો કે હજુ સુધી રાજ્યમાં કોઈ મોતના સમાચાર નથી. વધતા જતા કેસો પર નજર રાખવા આરોગ્ય વિભાગે હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને એલર્ટ કર્યા છે.
H3N2 ફાટી નીકળવાથી દેશભરમાં ચિંતા વધી છે. ઈન્ફલ્યુએન્ઝાના કેસ એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે દેશ 3 વર્ષ બાદ કોરોના મહામારીમાંથી બહાર આવ્યો છે. બાળકો અને વૃદ્ધો વધુને વધુ વાયરલનો શિકાર બની રહ્યા છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ઈન્ફલ્યુએન્ઝાના મોટાભાગના દર્દીઓમાં ખાંસી, ગળામાં ઈન્ફેક્શન, શરીરમાં દુખાવો, નાકમાં પાણી આવવું વગેરે જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે.