
આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડ વિષયની પરીક્ષા હાલ શાંતિપૂર્ણ ચાલી રહી છે ત્યારે જિલ્લામાં શુક્રવારે પ્રથમ કોપી કેસ નોંધાયા હતા. જેમાં ધોરણ 10માં બે વિદ્યાર્થીઓ ચોરી કરતાં સ્કવોડના હાથે રંગેહાથ ઝડપાતાં કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવી રહેલી બોર્ડ પરીક્ષામાં ધોરણ 10માં બેઝિક ગણિતનું પ્રશ્નપત્ર હતું. જેમાં આણંદ જિલ્લાના વિવિધ તાલુકાઓના અલગ-અલગ સેન્ટર પરથી કુલ 27907 વિદ્યાર્થીઓ પૈકી 27335 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે 572 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જોકે, પરીક્ષા શરૂ થઈ એ પછી જ એક કલાકમાં જ સ્કવોડ સહિતની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
દરમિયાન, ચરોતર ઈંગ્લિંશ મીડિયમ સ્કૂલમાં એક વિદ્યાર્થી પ્રશ્નપત્રમાં કોપી કર્યા બાદ તે કાપલી બીજા વિદ્યાર્થીને આપતો હતો, જે સ્કવોડ અને સુપરવાઈઝરની ટીમ દ્વારા રંગેહાથ ઝડપાયો હતો. ટીમ દ્વારા તુરંત જ આ અંગે કોપી કેસ નોંધીને બંને છાત્રો વિરૂદ્ધ કાર્યવાહી કરાઇ હતી. બીજી તરફ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જિલ્લાના 42 સેન્ટર પરથી કુલ 12834 વિદ્યાર્થીઓએ અર્થશાસ્ત્રનું પેપર આપ્યું હતું. આ વિષયમાં કુલ 138 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા.
બેઝિક ગણિત અને અર્થશાસ્ત્ર એમ બંને વિષયના પેપર એકંદરે સરળ રહ્યા હતા. અર્થશાસ્ત્રમાં સેક્શન એ માં એક પ્રશ્ન થોડો ટ્વીસ્ટ કરીને પૂછાતાં છાત્રો મૂંઝાયા હતા. જોકે, એકંદરે પેપર સરળ રહ્યું હતું.