આણંદ જિલ્લામાં જમીન માપણી વિભાગની કામગીરીને લઇ અનેક ફરિયાદો
આણંદમાં જમીન માપણીમાં અઢી વર્ષમાં અઢી હજાર અરજી પેન્ડીંગ, 10,413 અરજીમાંથી 7,724નો નિકાલ થયો

આણંદ જિલ્લામાં જમીન માપણી વિભાગની કામગીરીને લઇ અનેક ફરિયાદો ઉઠી છે. છેલ્લા અઢી વર્ષમાં 10 હજાર જેટલી અરજીમાંથી સાડા સાત હજાર અરજીનો નિકાલ થયો છે. જેના પગલે અઢી હજાર જેટલી અરજી હજુ પણ પેન્ડીંગ છે. બીજી તરફ અધિકારીઓ સ્ટાફ ઘટના બ્હાના બતાવી ખેડૂતોને ધક્કા ખવડાવી રહ્યાંનો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે.
આણંદમાં સેટેલાઇટ દ્વારા જમીન માપણીના પ્રોજેક્ટ બાદ જમીન માપણી વિભાગ દ્વારા વાંધા દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત વિવિધ વિકાસ કામ, પ્રોજેક્ટમાં જમીન કપાત સહિતના મામલે જમીન માપણી જરૂરી બની ગઇ છે. આણંદ ખાતે આવેલા જમીન માપણી વિભાગમાં જુલાઇ-2020થી ફેબ્રુઆરી-23ના અઢી વર્ષ ઉપરાંતના સમય ગાળામાં કુલ 10,413 અરજી મળી છે. જેમાંથી 7,724નો નિકાલ થયો છે. આમ, અઢી હજાર જેટલી અરજી પેન્ડીંગ રહેતા ખેડૂતો ધક્કા ખાઇ રહ્યા છે. બીજી તરફ જમીન માપણી વિભાગમાં પણ સ્ટાફ ઘટ હોવાનું જણાવી કર્મચારી હાથ અધ્ધર કરી લે છે. જેથી ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યાં છે.
મહત્વનું છે કે, હાલ જમીન માપણી આધુનિક સાધનો દ્વારા કરવામાં આવતી હોવા છતાં એક જમીન માપણી કરવામાં સરેરાશ બે કલાક જેટલો સમય લાગે છે વળી જો માપણી સમયે કોઈ વિવાદ થાય તે વધુ સમયનો બગાડ થાય છે. જેને કારણે દૈનિક અરજી નિકાલના ટાર્ગેટમાં ઘટ આવે છે. જોકે સમજદાર ખેડૂતો જમીન માપણી વિભાગની આ પરિસ્થિતિને સ્વીકારી રહ્યા છે અને વિભાગમાં સ્ટાફની ઘટની પૂર્તતા કરવા સરકાર યોગ્ય ભરતી કરે તો ખેડૂતોના જમીન માપણીના પ્રશ્નોનો વહેલો નિકાલ આવે તેવી જાહેર માંગણી પણ કરી રહ્યા છે.
આંકલાવ માં 672ની આવક સામે 459નો નિકાલ થયો જ્યારે 213 પેન્ડીંગ, આણંદ (ગ્રા)માં 3187ની આવક સામે 2492નો નિકાલ જ્યારે 695 પેન્ડીંગ, આણંદ (શ)માં 167માં 117નો નિકાલ જ્યારે 50 પેન્ડીંગ , ઉમરેઠ માં1248 સામે 915નો નિકાલ 333 પેન્ડીંગ, ખંભાતમાં 1421 સામે 974નો નિકાલ 447 પેન્ડીંગ, તારાપુરમાં 453 સામે 340 113 પેન્ડીંગ ,પેટલાદમાં 1448 સામે 1138નો નિકાલ 310 પેન્ડીંગ ,બોરસદમાં 1446 સામે 1019 નો નિકાલ 427 પેન્ડીંગ , સોજિત્રામાં 371 સામે 300નો નિકાલ 71 પેન્ડીંગ અમે મળીને કુલ 10,413 સામે 7,724નો નિકાલ કરાયો જ્યારે 2689અરજી હજુ પેન્ડીંગ છે જે માપણી પ્રક્રિયા કામગીરી હેઠળ છે.